આણંદમાં નકલી ખાતર કૌભાંડ ઝડપાયું:વડોદ ગામ પાસે 3454 બેગો અને ટ્રક તથા મશીન સહિત રૂ.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વડોદ ગામ પાસે નકલી ખાતર બનાવવાનું એક મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે લાયસન્સ વગર તમાકુની ખળીમાં ચાલતા આ ગેરકાયદેસર ઉત્પાદનનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 18,02,550/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમારને વડોદ-નાપાડ રોડ પર બળિયાદેવ મંદિર પાસે આવેલી તમાકુની ખળીમાં નકલી ખાતર બનતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ભાવનગરના રઘુવીરભાઈ મનસુખભાઈ સોલંકી નામના ઇસમ ત્યાં હાજર મળી આવ્યા હતા, જેમની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે ગોડાઉન અને કમ્પાઉન્ડની તપાસ કરતા ત્યાંથી લાયસન્સ વગરનું બનાવટી ખાતર, ખાતરમાં ભેળસેળ કરવા માટેની સામગ્રી, અલગ-અલગ બ્રાન્ડના માર્કાવાળી ખાલી પ્લાસ્ટિકની બેગો અને એક ટ્રક મળી આવી હતી. આ મામલે વાસદ પોલીસ સ્ટેશન ખાતે પ્રાથમિક જાણવાજોગ નોંધ કરવામાં આવી હતી. ત્યારબાદ આણંદના ખેતીવાડી અધિકારીશ્રીને સ્થળ પર બોલાવી ખાતરના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરી રિપોર્ટમાં આ ખાતર 'બનાવટી મિશ્ર ખાતર' હોવાનું સાબિત થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દરોડા દરમિયાન કુલ રૂ. 18,02,550/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં અલગ-અલગ માર્કાની ખાતર ભરેલી કુલ 3454 બેગો, ખાતર ભરવા માટેની ખાલી 15090 બેગો, સીલાઈ કરવાનું ઇલેક્ટ્રિક મશીન, ઇલેક્ટ્રિક વજનકાંટો, મિક્સર મશીન અને એક આઈશર ટ્રક (નંબર - MH 40 CL 5527) નો સમાવેશ થાય છે. આરોપી રઘુવીરભાઈ મનસુખભાઈ સોલંકી (રહે. ઘોઘારોડ, નીલકંઠ નગર, તા.જિ. ભાવનગર) વિરુદ્ધ વાસદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ SOG આણંદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) એચ.આર. પ્રજાપતિને સોંપવામાં આવી છે.
Read Original Article →