સ્ટ્રીટ લાઈટનો જટિલ પ્રશ્ન:સ્ટ્રીટ લાઇટો ક્યાં બંધ છે ? પાલિકા પ્રમુખે અધિકારીઓ સાથે રાત્રે જ જાત તપાસ કરી
અમરેલી નગરપાલિકાના વિવિધ વિસ્તારમા સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે નવા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાએ ગઈકાલે રાત્રે ઓફિસના સ્ટાફને બોલાવી શહેરના જુદા જુદા વિસ્તારમાં સાથે લઈ જઈ કયા કયા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ છે તેની જાત તપાસ કરી હતી. આ બંધ લાઇટો બે દિવસમાં શરૂ કરી દેવા સૂચના આપી હતી. અમરેલી નગરપાલિકાના પ્રમુખ સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની સમસ્યા જાણવા રાત્રિના સમયે મેદાનમાં ઉતર્યા છે. શહેરમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદો ઉઠતા નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળીયાએ રાત્રે શહેરના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અમરેલી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. રાત્રિના સમયે અંધારાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. નાગરિકોની આ સમસ્યાને લઈ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયાએ જાતે જ તપાસ કરવાનું નક્કી કર્યું હતું. તેઓ રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચ્યા હતા અને ક્યાં લાઈટો બંધ છે તેની જાતે જ તપાસ કરી હતી. અંધારાના કારણે લોકોને પડતી મુશ્કેલીઓનો રૂબરૂ ચિતાર મેળવ્યા બાદ, પ્રમુખે સ્થળ પરથી જ સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી કાર્યવાહી કરી બંધ સ્ટ્રીટ લાઈટો સત્વરે શરૂ કરાવવા કડક સૂચનાઓ આપી હતી. આ રાત્રિ નિરીક્ષણ દરમિયાન પાલિકા પ્રમુખની સાથે ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય સહિતના અન્ય હોદ્દેદારો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ વિસ્તારમાં 250 સ્ટ્રીટ લાઈટનો જટિલ પ્રશ્ન હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચિતલ રોડ પર આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. જેના કારણે ખોદકામ થતા સ્ટ્રીટ લાઇટો બંધ થઈ છે. એરપોર્ટ સત્તાવાળાઓ તેની અંદરની સાઈડથી લાઈટો રીપેર કરવા અનુમતિ આપતા ન હોય હાલમાં અહીં 30થી વધુ સ્ટ્રીટ લાઈટ બંધ છે. આ ઉપરાંત ધારી રોડ બાયપાસ પર 250 સ્ટ્રીટ લાઈટમાંથી 100 લાઇટ બંધ છે. અહીં પણ રસ્તાના કામના કારણે લાઇટો બંધ થઈ ગઈ હતી અને હાલમાં વાયરીંગ સડી ગયું હોય નવા વાયરીંગ બાદ જ આ લાઈટો શરૂ થશે. ઓજી વિસ્તારમાં પણ 100 થી વધુ સ્ટ્રીટ લાઇટ બંધ છે જે શરૂ કરાવવા પાલિકાએ પ્રાથમિકતા આપી છે.
Read Original Article →