અજાણ્યા શખ્સે રૂા. 15,000નો મુદ્દામાલ ચોર્યો:અમરેલીમાં કુંકાવાવ રોડ પર ફાર્મ હાઉસમાંથી પંખા, કુલરની ચોરી
અમરેલીના કુંકાવાવ રોડ પર ફાર્મ હાઉસમાંથી અજાણ્યા શખ્સ પંખા અને કુલરની ચોરી કરી હતી. આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. અમરેલીના કુંકાવાવ રોડ વિસ્તારમાં આવેલા વિ.કે. પટેલના ફાર્મ ખાતે ચોરીની ઘટના સામે આવી છે. જયંતીભાઈ બાબુભાઈ ઠુમ્મર (ઉ.વ. 56)એ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ફાર્મમાં બેસવા માટે બનાવવામાં આવેલી બે માળની ખુલ્લી ઝૂંપડીમાં અજાણ્યો ચોર ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશ્યો હતો. આ શખ્સ રૂપિયા 8,000ની કિંમતના ઝૂંપડીમાં ફિટ કરેલા ચાર પંખા તથા ત્યાં રાખેલ રૂપિયા 7,000ની કિંમતનું કુલર મળી કુલ રૂપિયા 15,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થયો હતો. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે અજાણ્યા આરોપીની શોધખોળ હાથ ધરી છે. આમ, અમરેલી જિલ્લામાં દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યાં હોય સઘન પેટ્રોલીંગની માંગ ઉઠી છે.
Read Original Article →