ધમકી અને નુુકસાન:બિલ વગર પેટ્રોલ-ડીઝલ ન આપતા મેનેજરને ધમકી, ગાડી અથડાવી રૂા. 80 હજારનું નુકસાન
રાજુલાના ભેરાઇ એક કંપનીના મેનેજરને બીલ વગર પેટ્રોલ-ડીઝલ આપવાની માંગણીને લઇ ધમકી આપવાની અને ગાડી અથડાવી નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી છે. આ મામલે રાજુલા પોલીસે ફરિયાદ નોંધી છે. રાજુલાના ભરતનગરમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી પવન શર્મા (ઉ.વ.31) એક ગલ્ફ કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. તા. 23 માર્ચના રોજ રાત્રે આશરે 8 વાગ્યે ભેરાઇ ગામનો રહેવાસી ભરત ઉર્ફે રેસે મોબાઇલ ફોન દ્વારા પવન શર્માનો સંપર્ક કરી તેમની કંપનીમાંથી બીલ વગર બિન કાયદેસર રીતે પેટ્રોલ-ડીઝલ આપવાની માંગ કરી હતી. જેથી આ ગેરકાયદેસર કામ કરવા તેઓએ ઇનકાર કરતા ભરતે નોકરી ન કરવા દેવાની અને માર મારવાની ધમકી આપી હતી. બાદ તા. 06 એપ્રિલે ફરી આ શખ્સ કંપનીની ઓફિસે જઈ અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. તેમજ ગઈ કાલે સાડા છ વાગ્યાના અરસામાં શ્રીજી હોટલ આગળ ભેરાઇ ટી-પોઇન્ટ પાસે ભરત અને બે અજાણ્યા શખ્સો પોતાની કાર લઈને આવી પવન શર્માની ગાડી સામે રોકી ઇરાદાપૂર્વક અથડાવી દઈ ગાડીમાં રૂપિયા 80 હજાર જેટલું નુકસાન પણ કર્યું હતું. તેમજ તેની સાથેના બે અજાણ્યા વ્યક્તિઓ ગાડીમાંથી ઉતરી આવી તુ મને બીલ વગર પેટ્રોલ-ડીઝલ કેમ આપતો નથી કહી ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પીપાવાવ પોલીસે ભરત અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →