રસ્તામાં ગેરકાયદેસર અટકાવી મારકૂટ પણ કરી:અમરેલીમાં યુવાનને બંધક બનાવી ઓનલાઈન એપ દ્વારા પૈસા પડાવ્યા, ગળે છરી રાખી વધુ રૂા. 45,000 આપવા દબાણ કર્યું
બાબરાના વાંડળીયા ગામે રહેતા અજયભાઈ રામજીભાઈ ગાંગડીયા (ઉ.વ.26) પોતાના શેઠનું વાહન લઈને 24 મેના રોજ ફતેપુર ખાતે બાયોકોલ ભરવા ગયા હતા. રાત્રિના સમયે પરત બાબરા આવી રહ્યા હતા, તે દરમિયાન અમરેલી-લાઠી બાયપાસ ચોકડી પાસે નાસ્તા માટે ઉભા રહ્યા હતા. તે દરમિયાન તેમના મોબાઈલમાં ભૂલથી GRINDR નામની એપ્લિકેશન ખુલતા JAN નામના આઈડી પરથી મેસેજ આવ્યો હોય બાદમાં તેઓ બાબરા તરફ જતાં હતા ત્યારે ટાટા મોટર્સ સર્વિસ સ્ટેશન પાસેથી નવા બાયપાસ ઉપર આગળ પરિત ભિમાણી અને હરકિશન નામના શખ્સોએ બાઇક વડે તેમનું વાહન રોકાવ્યું હતું. બંનેએ બળજબરી પૂર્વક યુવકને નીચે ઉતારી રેલવેના નવા પુલિયા નીચે લઈ ગયા હતા. જ્યાં અરમાન, તોફિક, રોનક અને પરવેજ નામના અન્ય ચાર શખ્સો પણ આવી પહોંચ્યા હતા. તમામે મળીને યુવકને ગેરકાયદેસર રીતે અટકાવી મારકૂટ કરી હતી. સાથે જ મારી નાખવાની ધમકીઓ આપી મોબાઈલ અને 800 થી 1000 જેટલી રોકડ ભરેલું પાકીટ ઝૂંટવી લીધા હતા. તેમજ આ શખ્સોએ વધુ રૂપિયાની માંગણી કરતા અજયભાઈએ પોતાના શેઠના મોબાઈલમાંથી જણાવેલા QR કોડ ઉપર ઓનલાઇન વધુ રૂપિયા 5000 ટ્રાન્સફર કરાવ્યા હતા. અને વધુ રૂપિયા આપવાનું કહી ધમકીઓ આપી હતી. આ સમગ્ર મામલે અમરેલી પોલીસે પરિત ભિમાણી, હરકિશન, અરમાન, તોફિક, રોનક અને પરવેજ સામે ગેરકાયદેસર અવરોધ, અપહરણ સમાન કૃત્ય, લૂંટ, ધમકી, મારામારી અને હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ તોફિક નામના શખ્સે ગરદન પાસે ખુલ્લી છરી રાખી બીજા દિવસે વધુ રૂપિયા 45 હજાર મોકલવાની માંગ કરી હતી. રૂપિયા નહીં મોકલેતો તો મારી નાખવાની તેમજ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
Read Original Article →