હિટ એન્ડ રન:વડિયા-જેતપુર રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 25 વર્ષીય યુવકનું મોત
વડીયા-જેતપુર રોડ પર આજે હિટ એન્ડ રનની ઘટના બની છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક ઇકો કારના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 25 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અકસ્માત સર્જી ઇકો કારનો ચાલક ગાડી સહિત ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. વડીયા-જેતપુર રોડ પર આવેલા ચારણીયા ગામ નજીક બાયપાસથી પસાર થઈ રહેલા મોટરસાયકલને એક બેફામ ઝડપે આવતી ઇકો કારે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવાર અર્જુનભાઈ કાળુભાઈ ખરતે (ઉ.વ.25)ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ માનવતા નેવે મૂકીને ઇકો કારનો ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અકસ્માત અંગે આસપાસના લોકોએ તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા જેતપુર અને વડિયા પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મૃતક યુવકના શવને પીએમ અર્થે વડીયા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા અજાણ્યા ઇકો કાર ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Read Original Article →