ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:1.13 કરોડના ખર્ચે તળાવ ઊંડું ઉતરવાનું કામ સામસામી પોલીસ ફરિયાદમાં અટવાયું : ગામલોકોએ મૌન રેલી કાઢી
અમરેલીના મોટા આંકડીયા ગામમાં તળાવ ઊંડું કરવાની કામગીરી સ્થાનિક મનદુઃખના કારણે બંધ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ગામના વિકાસ અને જળસંચય માટે મહત્વપૂર્ણ ગણાતી આ કામગીરી તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે પાટીદાર અગ્રણીઓ અને ગ્રામજનો વાહનો સાથે મૌન રેલી યોજી કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. મોટા આંકડિયા ગામના લોકો મૌન રેલી સ્વરૂપે અમરેલી જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે આશરે રૂપિયા 1 કરોડ 13 લાખના ખર્ચે તળાવ ઊંડું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કેટલાક શખ્સો દ્વારા કરવામાં આવેલા અવરોધ અને ત્યારબાદ થયેલી મારામારીના બનાવને પગલે સામસામી પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર કામગીરી અટકી પડી છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે કેટલાક અસામાજિક તત્વો દ્વારા વિકાસલક્ષી કામગીરીમાં સતત અવરોધ ઉભા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર ગામને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. તળાવ ઊંડું કરવાની કામગીરી અટકી જતાં વરસાદી પાણીના સંગ્રહ અને ભાવિ જળસંચય યોજનાઓ પર પણ અસર પડી શકે છે. આ રેલી દરમિયાન ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયા પણ હાજર રહ્યા હતા. સાથે જ ખોડલધામ, સરદારધામ તેમજ લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગ્રામજનોની માંગને સમર્થન આપ્યું હતું. મૌન રેલી દરમિયાન ગ્રામજનોએ જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગને રજૂઆત કરી હતી કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ તળાવ ઊંડું કરવાની કામગીરીમાં અવરોધ ઉભા કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની પણ ગ્રામજનોએ તૈયારી બતાવી છે. ગાયકવાડી તળાવ 500 વિઘામાં પથરાયેલું છે
મોટા આંકડિયા ગામના ખેડૂત અગ્રણી રમણીકભાઇ વિસાવાળિયાએ જણાવ્યું હતું કે આ તળાવ ગાયકવાડ સરકારે બંધાવેલું અને 500 વિઘમાં ફેલાયેલું તળાવ છે. તળાવ ઊંડું કરવા માટે સરકારે રૂપિયા 1.13 કરોડ ફાળવ્યા છે જેથી તાત્કાલિક કામગીરી શરૂ થાય તેવી રજૂઆત કરી છે.
Read Original Article →