જૂના વાહનોની ખરીદી-‎વેચાણમાં રજિસ્ટર રાખવું ફરજિયાત‎:જાહેરનામું તા. 24 જુલાઈ સુધી અમલમાં રહેશે : ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરાશે

Gujarat6/4/2026, 12:00:00 AM
અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ વાહન સંબંધિત ગુનાઓને રોકવાના હેતુથી અમરેલીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમ સમગ્ર અમરેલી જિલ્લામાં લાગુ કરવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ જૂની મોટરસાયકલ, સ્કૂટર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોની ખરીદ-વેચાણ કરતી દરેક વ્યક્તિએ નિયત નમૂનામાં રજિસ્ટર નિભાવવાનું રહેશે. તેમાં વેચનારનું નામ, સરનામું, વાહન વેચવાનું કારણ, ખરીદનારનું નામ, સરનામું, મોબાઇલ નંબર, ઓળખપત્ર અને રહેઠાણના પુરાવાની વિગતો નોંધવાની રહેશે. આ ઉપરાંત વાહન ખરીદવાનું કારણ, ખરીદીની તારીખ, વાહનનો એન્જિન નંબર, ચેસીસ નંબર, મોડલ નંબર તથા રજિસ્ટ્રેશન નંબર સહિતની તમામ વિગતો સાથે સંબંધિત દસ્તાવેજોની નકલો પણ સાચવી રાખવાની રહેશે. જૂના વાહનોની ખરીદ-વેચાણ કરતા વેપારીઓ, શોરૂમ સંચાલકો, એજન્ટો અને મેનેજરોએ દરેક વ્યવહારમાં ખરીદનારને બિલ આપવાનું રહેશે. સાથે જ બિલની નકલ પોતાના રેકોર્ડમાં જાળવી રાખવાની રહેશે. વાહનનું વેચાણ કરતી વખતે ખરીદનાર પાસેથી માન્ય ઓળખપત્રનો ઓછામાં ઓછો એક પુરાવો મેળવવો ફરજિયાત રહેશે. આ નિયમનો અમલ તમામ જૂના વાહનોના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને સંચાલકો માટે લાગુ પડશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ જાહેરનામું તા. 24 જુલાઈ સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →