સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ:માંડરડી સ્કાય ફિડરમાં ખામીઓથી ખેડૂતોમાં રોષ
ભાસ્કર ન્યૂઝ.અમરેલી રાજુલા માર્કેટ યાર્ડના ચેરમેન રાજેશભાઈ પરસાણાએ રાજ્ય સરકાર સમક્ષ માંડરડી સ્કાય ફીડર યોજના હેઠળ ખેડૂતોને પડી રહેલી ગંભીર મુશ્કેલીઓ અંગે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠાવી છે. આ મુદ્દે તેમણે રાજ્યના કાયદા-ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકરીયાને લેખિત રજૂઆત કરી ખેડૂતોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા અનુરોધ કર્યો છે. રાજુલામાં સૂર્ય શક્તિ કિસાન યોજના અંતર્ગત કાર્યરત માંડરડી સ્કાય ફીડરમાં ખેડૂતોને સતત ટેકનિકલ ખામીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય સ્વીચ, ઈન્વર્ટર અને મીટર બદલવાની સમસ્યાઓ ઉપરાંત સોલાર પેનલો તૂટી જવાના બનાવો પણ વધ્યા છે. ખેડૂતો માટે વધુ મુશ્કેલી એ છે કે ઓનલાઇન અરજી કરવાની સિસ્ટમ લાંબા સમયથી બંધ હોવાથી તેઓ ફરિયાદ કે સર્વિસ માટે યોગ્ય રીતે અરજી પણ કરી શકતા નથી. જ્યારે સમયમર્યાદામાં કામગીરી ન થાય તો સંબંધિત કંપની સામે દંડની કાર્યવાહી થવી જોઈએ તેમ છતાં અસરકારક પગલાં લેવાયા નથી. એક વર્ષથી વધુ સમયથી સ્થાનિક સ્તરે સર્વિસ સ્ટેશન કાર્યરત ન હોવાના કારણે ઈન્વર્ટર સહિતની ખામીઓનું સમારકામ સમયસર થઈ શકતું નથી. પરિણામે અનેક ખેડૂતોનું જનરેશન 15 દિવસથી લઈને ચારથી પાંચ મહિના સુધી બંધ રહે છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને લોનના હપ્તા સમયસર ભરવામાં મુશ્કેલી પડી રહી છે, જેના કારણે વધારાના વ્યાજ અને મોટા બિલનો બોજ સહન કરવો પડી રહ્યો છે. ખેડૂતો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ આવ્યું નથી. માર્કેટ યાર્ડના ચેરમેન રાજેશભાઈ પરસાણાએ સરકારને માંડરડી સ્કાય ફીડર યોજના હેઠળ બંધ પડેલા ઈન્વર્ટર અને અન્ય સાધનોનું તાત્કાલિક રીપેરીંગ કરાવી ખેડૂતોને રાહત આપવા માંગ કરી છે. સાથે જ સમગ્ર યોજનામાં ઉભી થયેલી ટેકનિકલ અને વહીવટી સમસ્યાઓનું વહેલી તકે સ્થાયી નિરાકરણ લાવવા સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી અપીલ કરી છે.
Read Original Article →