સમયસર સ્વ-ગણતરી કરવા અનુરોધ:અમરેલી શહેરની જિલ્લા માહિતી કચેરીના કર્મીઓએ બુધવારે સ્વ-ગણતરી પ્રક્રિયા કરી
ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી જન ગણના પ્રક્રિયા અંતર્ગત હવે નાગરિકો માટે ઓનલાઈન સ્વ-ગણતરી કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં આજે અમરેલી જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ પોતાની પ્રક્રિયા પૂર્ણ કરી સરકારની આ પહેલ સાથે જોડાયા હતા. સરકારના આ અભિયાનને પ્રોત્સાહન આપવા જિલ્લા માહિતી કચેરી અમરેલીના કર્મયોગીઓએ પણ સફળતાપૂર્વક ઓનલાઈન સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી છે અને નાગરિકોને પણ સમયસર સ્વ-ગણતરી કરવા અનુરોધ કર્યો છે. અમરેલી જિલ્લાના નાગરિકો આગામી 31 મે, સુધી રોજના 24 કલાક દરમિયાન દેશના કોઈપણ સ્થળેથી ઓનલાઈન સ્વ-ગણતરી કરી શકશે. નાગરિકો માટે સરકાર દ્વારા ખાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં જઈ થોડા જ સમયમાં પરિવાર તથા રહેઠાણ સંબંધિત વિગતો નોંધાવી શકાય છે. સ્વ-ગણતરી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારના દસ્તાવેજ અપલોડ કરવાની આવશ્યકતા રહેશે નહીં. સમગ્ર પ્રક્રિયા સરળ અને ઝડપી રાખવામાં આવી છે જેથી સામાન્ય નાગરિક પણ સરળતાથી ભાગ લઈ શકે. સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ દરેક પરિવારને એક વિશિષ્ટ SEID નંબર આપવામાં આવશે. ત્યારબાદ સરકારી ગણતરીદાર ઘરે મુલાકાતે આવે ત્યારે માત્ર આ SEID બતાવવાથી પ્રક્રિયા ઝડપી રીતે પૂર્ણ થઈ શકશે. વધુમાં વધુ નાગરિકો ઓનલાઈન સ્વ-ગણતરીમાં જોડાઈ જવાબદાર નાગરિક તરીકે પોતાની ભાગીદારી નોંધાવે તેવી અપીલ કરવામાં આવી છે.
Read Original Article →