ધાર્મિક આયોજન:બગસરામાં શ્રીમદ્દ વલ્લભાચાર્યજી(મહાપ્રભુજી) ના 549માં પ્રાગટ્ય મહોત્સવની 13 એપ્રિલે ઉજવણી થશે
પ્રેમલક્ષણા ભક્તિનું બીજ રોપી પુષ્ટિમાર્ગની સ્થાપના કરનાર શ્રીમદ્દ વલ્લભાચાર્યજી (મહાપ્રભુજી)ના 549મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી બગસરાની મોટી હવેલી ખાતે ભવ્ય રીતે કરવામાં આવશે. આ ઉજવણી 108 પ્રભુજી મહારાજશ્રીની આજ્ઞા અનુસાર અને યુવરાજ 108 રાસેશ્વર બાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. તા. 13 એપ્રિલના રોજ યોજાનારા આ મહોત્સવ માટે હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમ સવારે 6 વાગ્યે મોટી હવેલીથી પ્રભાતફેરી પ્રસ્થાન કરશે અને શહેરના મુખ્ય માર્ગો પર ફરશે. ત્યારબાદ સવારે 6:30 વાગ્યે મોટી હવેલીમાં ધ્વજવંદન કરવામાં આવશે. સવારે 7 વાગ્યે મંગળા દર્શન અને આરતી યોજાશે. સવારે 10 વાગ્યે પલના દર્શન તથા નંદ મહોત્સવ યોજાશે. બપોરે 12 વાગ્યે તિલક આરતી અને રાજભોગ દર્શન થશે. ત્યારબાદ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મંગલ મનોરથ ગૌ.વા. પ.ભ. મંગળાબેન અમૃતલાલ મસરાણી તથા શ્રીજી કેટરર્સના નવીનભાઈ મસરાણી દ્વારા કરવામાં આવ્યો છે. સાંજે 4 વાગ્યે મહાપ્રભુજીની વર્ણાગી (શોભાયાત્રા) શિક્ષક સોસાયટી ગોકુળપરા સ્થિત સંજયભાઈ નળિયાધરાના નિવાસસ્થાનેથી પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રા શહેરના પટેલવાડી ચોક, સરદાર ચોક, હોસ્પિટલ રોડ, ગોંડલિયા ચોક, વિજય ચોક, મેઇન બજાર, ગાંધી ચોક અને નાની બજાર થઈને મોટી હવેલી પહોંચશે. જ્યાં પૂ.પા.ગો.108 પ્રભુજી મહારાજશ્રી તેમજ પૂ.પા.ગો.108 ચિ. શ્રી રાસેશ્વર બાવાના સ્વમુખે વચનામૃત આપવામાં આવશે. ઠાકોરજીને કેશરી સ્નાન કરાવવામાં આવશે અને કીર્તન મંડળી દ્વારા વધાઈ કીર્તન રજૂ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બગસરા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ઉત્સવ સમિતિ મહાલક્ષ્મી મહિલા મંડળ તથા બગસરા વૈષ્ણવ યુથ ક્લબ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે.
Read Original Article →