ડીઝલ માટે 7/12ની નકલ માંગતા પેટ્રોલ પંપ સંચાલકને ધમકી:સુરતના PSI સામે ડુંગર પોલીસમાં અરજી, ડુંગર પોલીસે તપાસ શરૂ કરી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિક્ટર ચોકડી નજીક આવેલા એક પેટ્રોલ પંપના સંચાલકે સુરતના સચિન પોલીસ સ્ટેશનના PSI જયસુખ બારૈયા સામે ધમકી આપ્યાની લેખિત અરજી ડુંગર પોલીસ સ્ટેશનમાં કરી છે. બેરલમાં ડીઝલ આપવા માટે 7/12ની નકલ માંગવા મુદ્દે આ વિવાદ સર્જાયો હતો. શું છે સમગ્ર ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, PSI જયસુખ બારૈયાના એક સંબંધી પેટ્રોલ પંપ પર બેરલમાં ડીઝલ લેવા આવ્યા હતા. પેટ્રોલ પંપના કર્મચારીએ સરકારી નિયમો અને મામલતદારની સૂચનાનો હવાલો આપીને જણાવ્યું હતું કે, 7/12ની નકલ વગર બેરલમાં ડીઝલ આપી શકાય નહીં, નિયમ મુજબ માત્ર વાહનમાં જ ડીઝલ ભરી આપવામાં આવે છે. આ સાંભળીને તે વ્યક્તિએ PSI બારૈયાને ફોન જોડ્યો હતો. PSIએ ફોન પર પેટ્રોલ પંપના કર્મચારી સાથે ઉદ્ધત અને ધમકીભરી ભાષામાં વાત કરી હતી. તેમણે "તારો શેઠ શું ગુજરાતનો PM છે?" અને "ડીઝલ કેમ નથી આપતો?" જેવા શબ્દોનો પ્રયોગ કરી પોલીસ કેસ કરવાની ધમકી આપી હોવાનો આરોપ છે. અગાઉ પણ નિયમનો ભંગ કરાવ્યાનો આક્ષેપ
પેટ્રોલ પંપના સંચાલક પ્રદ્યુમન ખુમાણે જણાવ્યું કે, તેમને પણ મોબાઈલ પર કોલ કરીને પોલીસ કેસ કરવાની અને 112માં ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, અગાઉ પોલીસ સ્ટાફ હોવાની ઓળખ આપીને આ લોકો 125 લીટર ડીઝલ 7/12ની નકલ વગર લઈ ગયા હતા. જોકે, હાલ મામલતદારની કડક સૂચના હોવાથી નિયમ વિરુદ્ધ બેરલમાં ડીઝલ આપવું શક્ય નથી. બેરલમાં ડીઝલ આપવા માટે 7/12 કેમ જરૂરી?
રાજ્યભરમાં ડીઝલની અછત અને ખેડૂતો માટે તેની અનિવાર્ય જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. કેટલાક લોકો ખેડૂતોના નામે ડીઝલ મેળવી તેનો દુરુપયોગ કરતા હોવાથી, સરકાર અને સ્થાનિક તંત્રએ બેરલમાં ડીઝલ ખરીદવા માટે ખેતીની 7/12ની નકલ ફરજિયાત બનાવી છે. પોલીસ તપાસ શરૂ
આ મામલે PSI જયસુખ બારૈયા સામે હોદ્દાનો દુરુપયોગ કરવા અને ધમકી આપવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ડુંગર પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે. ડુંગર PI પ્લાસે જણાવ્યું હતું કે, "આ અરજી અંગે તપાસ ચાલી રહી છે. ફોન કરનાર વ્યક્તિ ખરેખર PSI પોતે જ છે કે પછી તેમની ઓળખ આપીને કોઈ અન્ય વ્યક્તિએ ધમકી આપી છે, તે દિશામાં ચકાસણી કરવામાં આવી રહી છે."
Read Original Article →