એઆઇનો દુરઉપયોગ:જરખિયાની મહિલાના એડિટ કરેલા ફોટા વાયરલ કરી સુરતના શખ્સે 1 લાખ માંગ્યા

Gujarat5/21/2026, 12:00:00 AM
લાઠી તાલુકાના જરખીયા ગામની એક મહિલાને સોશિયલ મીડિયા અને AI ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને બદનામ કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. મૂળ બાબરાના ઈશ્વરીયા અને હાલ સુરત કામરેજ વિસ્તારમાં રહેતા અશોક કાળુભાઇ ગેલાણી (ઉ.વ.46) લાંબા સમયથી મહિલાને હેરાન-પરેશાન કરતો હતો. મહિલાએ શખ્સના તાબે ન થતા તેણીને બદનામ કરવાની નીતિ અપનાવી હતી. જેમાં મહિલાના ચહેરાનો ઉપયોગ કરીને AI જનરેટેડ અર્ધનગ્ન ફોટા તૈયાર કર્યા હતા. ત્યારબાદ આ ફોટાઓ ખોટા હોવાની જાણ હોવા છતાં તેને સાચા તરીકે પ્રસ્તુત થાય તે રીતે પોતાના સોશિયલ મીડિયા આઈડી પરથી અપલોડ કરી વાયરલ કર્યા હતા. મહિલાની બદનામીનો ભય બતાવી રૂપિયા 1 લાખની માંગણી કરી હતી. સાથે જ પૈસા નહીં આપે તો વધુ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી સમગ્ર પરિવારને બદનામ કરવાની ધમકી પણ આપી હતી. સાથે સાથે મહિલા તેના પતિ અને દીકરાને મારી નાખવાની તેમજ ખોટા ગુનામાં ફસાવી આખી જિંદગી જેલમાં નખાવી દેવાની ધમકીઓ પણ આપી હતી. લાઠી પોલીસે અશોક કાળુભાઇ ગેલાણી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →