રજૂઆત:અમરેલીથી કનકાઈ માતાજીના‎મંદિર સુધી એસટી બસ શરૂ કરો‎

Gujarat4/7/2026, 12:00:00 AM
અમરેલી ગીર વિસ્તારમાં આવેલ પવિત્ર કનકાઈ માતાજી મંદિર ખાતે માતાજીના દર્શન માટે અમરેલીથી સીધી એસ.ટી. બસ સુવિધા શરૂ કરવાની માંગ ઉઠી છે. આ બાબતે સુમન સેવા ટ્રસ્ટ–અમરેલી દ્વારા એસ.ટી. વિભાગ સમક્ષ રજુઆત કરવામાં આવી છે. અમરેલી સુમન સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ ગોહિલ, પરશોતમભાઈ એન. મકવાણા અને રતનબેન આર. બલદાણીયા દ્વારા અમરેલી એસ.ટી. ડેપોના મેનેજરને લેખિત રજુઆત કરી અમરેલીથી કનકાઈ માતાજી સુધી ફરીથી બસ સેવા શરૂ કરવાની માંગણી કરાઇ હતી. આ રજૂઆતમાં જણાવાયું હતું કે કનકાઈ માતાજીનું મંદિર પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે અમરેલી, ચલાલા, ધારી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે જતા હોય છે. અગાઉ અમરેલીથી કનકાઈ માતાજી સુધી એસ.ટી. બસ સુવિધા શરૂ હતી, પરંતુ હાલ આ સેવા બંધ છે. જેથી ભક્તોની સુવિધા અને ધાર્મિક ભાવનાને ધ્યાનમાં રાખીને અમરેલીથી કનકાઈ માતાજી સુધી ફરીથી એસ.ટી. બસ શરૂ કરવામાં આવે તો હજારો ભક્તોને મોટી રાહત મળશે. આ માટે આ સેવા ટ્રસ્ટ દ્વારા એસ.ટી. વિભાગને બસ સુવિધા શરૂ કરવા અનુરોધ કરાયો છે.
Read Original Article →