હાલ જિલ્લામાં 55 નિ:શુલ્ક યોગ વર્ગ કાર્યરત:અમરેલીમાં વિવિધ સંસ્થાઓ સાથે યોગ બોર્ડ દ્વારા એમઓયુનો પ્રારંભ

Gujarat5/16/2026, 12:00:00 AM
હાલ જિલ્લામાં 55 નિ:શુલ્ક યોગ વર્ગ કાર્યરત:અમરેલીમાં વિવિધ સંસ્થાઓ સાથે યોગ બોર્ડ દ્વારા એમઓયુનો પ્રારંભ
રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના વ્યાપક પ્રચાર-પ્રસાર તેમજ વધુમાં વધુ નાગરિકોને નિઃશુલ્ક યોગ તાલીમનો લાભ ઉપલબ્ધ થાય તે હેતુથી અમરેલી જિલ્લામાં વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લામાં હાલ 55 યોગ વર્ગ ચાલી રહ્યા છે. દર વર્ષે 21 જૂનના રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. યોગને જનઆંદોલનનું સ્વરૂપ આપવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં વિવિધ સંસ્થાઓ સાથે નિઃશુલ્ક એમ.ઓ.યુ. કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને અમરેલી જિલ્લામાં જિલ્લા કો-ઓર્ડિનેટર સાગરભાઈ મહેતા તથા એમ.ઓ.યુ. કો-ઓર્ડિનેટર નીતાબેન દેસાઈ દ્વારા વિવિધ સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સંસ્થાના પ્રતિનિધિઓને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વિવિધ પ્રવૃત્તિઓ, યોગ તાલીમ કાર્યક્રમો તેમજ એમ.ઓ.યુ. થકી સંસ્થાઓને મળનારા લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અમરેલી જિલ્લાના કો-ઓર્ડિનેટરે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં જે સંસ્થાઓ યોગની પ્રવૃત્તિઓ સાથે જોડાવવા માંગતી હોય તેને ગુજરાત રાજ્ય યોગબોર્ડના માધ્યમથી સહાય કરવામાં આવશે. હાલમાં જિલ્લામાં 55 નિ:શુલ્ક યોગ વર્ગ કાર્યરત છે જે પૈકીના 40 વર્ગ અમરેલી શહેરમાં પ્રતિદિન યોજાઈ રહ્યા છે. આ એમ.ઓ.યુ થકી સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત જેવા અભિયાનને પણ વેગ મળશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.આ પહેલના પરિણામે અમરેલી જિલ્લામાં વધુને વધુ લોકો સુધી યોગની પહોંચ સુનિશ્ચિત બનશે તેમજ આરોગ્યપ્રદ અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન મળશે. યોગ થકી મેદસ્વિતા મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ વળવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
Read Original Article →