સાવરકુંડલામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા:મહિલા ઉમેદવારે ચૂંટણી અધિકારી સામે જ AAPનું ફોર્મ ફાડી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી, પોલીસ ફરિયાદ નોંધાઈ
અમરેલી જિલ્લાની સાવરકુંડલા નગરપાલિકામાં ચૂંટણી ફોર્મ ભરવા દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આમ આદમી પાર્ટી (AAP) માંથી ફોર્મ ભરેલી એક મહિલા ઉમેદવારે ચૂંટણી અધિકારી સામે જ પોતાનું ફોર્મ ફાડી નાખી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આ મામલે ચૂંટણી અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ગઈકાલે વોર્ડ નંબર 9માં બની હતી. અમીનાબેન અલી ચૌહાણ નામના મહિલા ઉમેદવારે AAP માંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ તેમણે દાવો કર્યો કે, ફોર્મમાં કેટલીક વિગતો અધૂરી છે. ત્યારબાદ અમીનાબેને ચૂંટણી અધિકારી શૈલેષ બલદાણીયા (ખેતીવાડી વિભાગના અધિકારી) સમક્ષ જ પોતાનું AAPનું ફોર્મ પરત મેળવી કપટપૂર્વક ફાડી નાખ્યું હતું. આ પછી તેમણે કોંગ્રેસ પક્ષમાંથી ફરીથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ ચૂંટણી અધિકારીની હાજરીમાં બનતા તેમણે તાત્કાલિક સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં મહિલા ઉમેદવાર વિરુદ્ધ મધરાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે FIR દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સાવરકુંડલા નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે અને આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
Read Original Article →