સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સભ્યે TDOને પત્ર લખ્યો:મહિલા પ્રતિનિધિઓના હોદ્દાના દુરુપયોગ અને અનધિકૃત વ્યક્તિઓના હસ્તક્ષેપ સામે કાર્યવાહીની માંગ

Gujarat6/4/2026, 7:08:14 AM
સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સભ્યે TDOને પત્ર લખ્યો:મહિલા પ્રતિનિધિઓના હોદ્દાના દુરુપયોગ અને અનધિકૃત વ્યક્તિઓના હસ્તક્ષેપ સામે કાર્યવાહીની માંગ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આ પત્રમાં તાલુકા પંચાયત કચેરી અને સામાન્ય સભાઓમાં અનધિકૃત વ્યક્તિઓના હસ્તક્ષેપ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. કોંગ્રેસી સભ્યે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે ભારતના બંધારણ અને સરકારની નીતિ મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને અનામત આપી તેમના સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવે છે. જોકે, કેટલીક જગ્યાએ ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓના સ્થાને તેમના પતિ, સગા-સંબંધી અથવા અન્ય રાજકીય વ્યક્તિઓ દ્વારા વહીવટી કામગીરીમાં હસ્તક્ષેપ થતો હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આ પ્રવૃત્તિ સ્થાનિક સ્વરાજ્યની ભાવના વિરુદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું. રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે તાલુકા પંચાયતની સામાન્ય સભાઓમાં માત્ર ચૂંટાયેલા સભ્યો અને અધિકૃત અધિકારીઓને જ હાજરીની મંજૂરી આપવામાં આવે, તેમજ કોઈપણ અનધિકૃત વ્યક્તિની હાજરી અટકાવવામાં આવે. આ ઉપરાંત, મહિલા પ્રમુખ, કારોબારી ચેરમેન તથા અન્ય મહિલા પદાધિકારીઓની ચેમ્બર, સરકારી સાધનો અને હોદ્દાની ગરિમાનો દુરુપયોગ તેમના પતિ કે અન્ય વ્યક્તિઓ દ્વારા ન થાય તે માટે પણ જરૂરી પગલાં ભરવા રજૂઆત કરાઈ છે. વધુમાં, તાલુકા પંચાયતની મહિલા સભ્યો માટે પ્રોટોકોલ, અધિકારો અને ફરજો અંગે વિશેષ તાલીમ કાર્યક્રમો યોજવા, મહિલા સુરક્ષા સમિતિની રચના કરવા તેમજ મહિલા સભ્યો કોઈપણ પ્રકારના દબાણ કે ભય વિના સ્વતંત્ર રીતે કામગીરી કરી શકે તે માટે જાગૃતિ કાર્યક્રમો યોજવાની પણ માંગ કરવામાં આવી છે. તાલુકા પંચાયત સદસ્યએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને મળેલા બંધારણીય અધિકારોનું રક્ષણ થાય અને મહિલા પ્રતિનિધિઓ સ્વતંત્ર રીતે પોતાના હોદ્દાની જવાબદારીઓ નિભાવી શકે તે માટે તંત્ર દ્વારા યોગ્ય અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી અંતિમ રજૂઆત કરવામાં આવી છે.
Read Original Article →