સાવરકુંડલામાં મારામારીના 5 દિવસ બાદ યુવકનું મોત બાદ:પોલીસે હત્યાનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી

Gujarat5/20/2026, 3:02:41 PM
સાવરકુંડલામાં મારામારીના 5 દિવસ બાદ યુવકનું મોત બાદ:પોલીસે હત્યાનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી
સાવરકુંડલામાં પાંચ દિવસ પહેલા થયેલી મારામારીના બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવક હર્ષદભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવ બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામના રહેવાસી હર્ષદભાઈ પરમાર પોતાની રિસામણે ગયેલી પત્નીને તેડવા માટે સાવરકુંડલા શહેરના હાથસણી રોડ વિસ્તારમાં આવેલા સસરાના ઘરે ગયા હતા. ત્યાં જગદીશભાઈ પરમારે તેમની પાસે પૈસાની માંગણી કરી હતી. પૈસા આપવાની બાબતે બોલાચાલી થતાં દયાબેને હર્ષદભાઈની આંખોમાં મરચાની ભૂકી નાખી હતી. હર્ષદભાઈ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરતા જગદીશભાઈએ લોખંડના પાઇપથી તેમના પગમાં ઘા કર્યો હતો. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે કુહાડી વડે પણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હર્ષદભાઈ બજાર વિસ્તારમાં પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પણ આરોપીઓએ ફરી હુમલો કર્યો હતો. આ હુમલામાં હર્ષદભાઈને બંને પગમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગોઠણની નીચેના ભાગે તથા હાથમાં ૧૩ જેટલા ટાંકા આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સાવરકુંડલાના DYSP વિરલ ચંદનએ જણાવ્યું હતું કે, મૃતક હર્ષદભાઈ તેના સસરાના ઘરે ગયા હતા. આ દરમિયાન આરોપી જગદીશભાઈ પરમાર સાથે પૈસાની બાબતે થયેલા હુમલા બાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી જગદીશભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →