સાવરકુંડલા ભાજપમાં ભડકો: બે નેતાઓએ રાજીનામા આપી કોંગ્રેસમાં જોડાયા:ટિકિટ ન મળતા ધર્મેન્દ્ર મહેતા,અનિરુદ્ધસિંહ વાજાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા

Gujarat4/10/2026, 12:59:40 PM
સાવરકુંડલા ભાજપમાં ભડકો: બે નેતાઓએ રાજીનામા આપી કોંગ્રેસમાં જોડાયા:ટિકિટ ન મળતા ધર્મેન્દ્ર મહેતા,અનિરુદ્ધસિંહ વાજાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. નગરપાલિકા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીને લઈને ભાજપમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. બે અગ્રણી નેતાઓ, ધર્મેન્દ્ર મહેતા અને અનિરુદ્ધસિંહ વાજાએ પક્ષમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાઈ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના વર્તમાન સભ્ય ધર્મેન્દ્ર મહેતાએ ભાજપના સભ્યપદ અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. તેવી જ રીતે, સાવરકુંડલા શહેર ભાજપના સક્રિય કાર્યકર અને શક્તિકેન્દ્રના પૂર્વ પ્રમુખ અનિરુદ્ધસિંહ વાજાએ પણ પક્ષના હોદ્દાઓ અને સક્રિય સભ્યપદ છોડી દીધું છે. ભાજપ છોડ્યા બાદ આ બંને નેતાઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ધર્મેન્દ્ર મહેતાએ વોર્ડ નંબર 6માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે, જ્યારે અનિરુદ્ધસિંહ વાજાએ વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસ પક્ષ વતી ઉમેદવારી નોંધાવી છે. આ ઘટના ધારાસભ્ય મહેશ કસવાલાના હોમટાઉન સાવરકુંડલામાં બની હોવાથી રાજકીય રીતે તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આનાથી સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણીના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે અને ભાજપ માટે પડકારો વધી શકે છે.
Read Original Article →