સિંહબાળને સ્વીફ્ટથી કચડી મારનાર ઝડપાયો:રાજુલાના દાતરડી પાસે અકસ્માત સર્જી નાસી છૂટ્યો, વનવિભાગે કોબડી ટોલનાકાથી અમદાવાદ પાસિંગની કારમાં દબોચ્યો
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ નજીક સિંહબાળને ટક્કર મારી મોત નીપજાવનાર સ્વીફ્ટ કારના ચાલકની વનવિભાગે કોબડી ટોલનાકા પાસેથી અટકાયત કરી છે. સીસીટીવી ફૂટેજ અને સઘન તપાસના આધારે રાજુલા વનવિભાગની 4 ટીમોએ ગણતરીના કલાકોમાં આ અકસ્માતનો કેસ ઉકેલી નાખ્યો છે. મોડી રાત્રે સિંહબાળનું અકસ્માતમાં મોત
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પરથી પસાર થતા નેશનલ હાઈવે પર મોડી રાત્રે દાતરડી ગામ પાસે એક અજાણ્યા વાહનની અડફેટે સિંહબાળનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા રાજુલા રેન્જ વનવિભાગે મૃતદેહનો કબજો મેળવી તેને પીએમ અર્થે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડ્યો હતો. વન્યજીવના મોતને પગલે પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીને તપાસના આદેશ આપતા રાજુલા અને જાફરાબાદ RFOના નેતૃત્વમાં 4 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. હોટલ, પેટ્રોલપંપના સીસીટીવીની તપાસ
વનવિભાગે સ્થાનિક લોકોની પૂછપરછ કરવાની સાથે હાઈવે પરની હોટલો, પેટ્રોલ પંપ અને ટોલનાકાના CCTV ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન શંકાસ્પદ સ્વીફ્ટ કાર (નંબર: GJ 27 EG 8613) અંગે કડી મળતા વનવિભાગની ટીમે મહુવા નજીક કોબડી ટોલનાકા પાસે વોચ ગોઠવી કારને અટકાવી હતી. કાર ચાલક ઈંદરસિંહ છતરસિંહ રાવત (રહે. રાજસ્થાન)ની પૂછપરછ કરતા તેણે અકસ્માતની કબૂલાત કરી હતી. આરોપી દીવથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે જતી કારે સિંહબાળને અડફેટે લીધું હતું. વનવિભાગનું નિવેદન
પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ACF વિરલસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ તુરંત ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ હતી. આરોપી રાજસ્થાનનો વતની છે અને અમદાવાદથી દીવ ફરવા આવ્યો હતો. પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી. હાલ આરોપીની અટકાયત કરી તેને નોટિસ આપવામાં આવી છે અને કાયદેસરની તપાસ ચાલુ છે.
Read Original Article →