CM ભૂપેન્દ્ર પટેલ હસ્તે 108 બેડની હોસ્પિટલનું લોકાર્પણ:22 કરોડ ના ખર્ચે બનેલી હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ, દર્દીઓની તમામ સારવાર નિ:શુલ્ક થશે

Gujarat5/13/2026, 5:10:05 AM
CM ભૂપેન્દ્ર પટેલ હસ્તે 108 બેડની હોસ્પિટલનું લોકાર્પણ:22 કરોડ ના ખર્ચે બનેલી હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ, દર્દીઓની તમામ સારવાર નિ:શુલ્ક થશે
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ₹22 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક 108 બેડની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'વીઆઈપી કલ્ચર' ઘટાડવાની અપીલને અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે. સામાન્ય રીતે દસથી વધુ વાહનોના લશ્કરી કાફલા સાથે ફરતા મુખ્યમંત્રીએ શિસ્તનું ઉદાહરણ પૂરું પાડતા માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચીને સૌને ચોંકાવી દીધા હતા. આ સિવાય કેન્દ્રીય મંત્રી પાટીલ, રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા અને કાંતિ અમૃતિયાએ પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી છે. રાજ્યપાલે એસટી બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીએ તેમનો અમેરિકાનો વિદેશ પ્રવાસ રદ કર્યો છે. આવતીકાલે રાજ્યમાં અન્ય મંત્રીઓ અને સંસ્થાઓ શું પગલાં લે છે તેના પર નજર રાખીશું. 108 બેડની આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે 'મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર'ના ટ્રોમાં સેન્ટરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું . રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 22 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે નિર્મિત 108 બેડની આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓને તમામ પ્રકારની સારવાર સંપૂર્ણપણે નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે, જે આ વિસ્તાર માટે આરોગ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું સાબિત થશે. તમામ આધુનિક તબીબી સેવાઓ એક જ છત નીચે આ અત્યાધુનિક હોસ્પિટલમાં ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ, મેડિકલ લેબોરેટરી જેવી પાયાની સુવિધાઓ ઉપરાંત ડેન્ટલ, ફિઝિયોથેરાપી, જનરલ સર્જરી, ગાયનેક મેડિસિન, બાળરોગ, એનેસ્થેસિયા અને ગાયનેકોલોજી સહિતની આશરે 10 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી સેવાઓ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત દર્દીઓ અને તેમના સ્વજનો માટે ભોજનાલયની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વડાપ્રધાનની પહેલ CMના કાફલામાં સાર્થક જોવા મળી મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં તેમની સાદગી અને પર્યાવરણ પ્રેમી અભિગમે સૌનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલને સાર્થક કરતા મુખ્યમંત્રીએ આ પ્રવાસ દરમિયાન પ્રોટોકોલ બાજુ પર મૂકીને સુરક્ષાના વિશાળ કાફલા (કોન્વે) વગર મુસાફરી કરવાની અનોખી પહેલ કરી હતી. સામાન્ય રીતે મુખ્યમંત્રીના પ્રવાસમાં 10 કરતા વધુ વાહનોનો કાફલો જોડાયેલો રહેતો હોય છે, તેના બદલે ભુપેન્દ્ર પટેલ માત્ર 2 કાર સાથે રાજુલા પહોંચ્યા હતા. બિનજરૂરી ઈંધણનો બચાવ કરવા અને વીજળીક ગતિએ વહીવટી ખર્ચ ઘટાડવા માટે મુખ્યમંત્રીએ જાતે આ પહેલ કરીને વહીવટી તંત્ર અને નાગરિકો સમક્ષ શાસન અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સ્થાનિક સ્તરે ઉત્તમ સારવાર અને આર્થિક રાહત આ હોસ્પિટલ કાર્યરત થવાથી રાજુલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને ગંભીર બીમારીઓની સારવાર માટે હવે અન્ય શહેરોમાં જવાની હાલાકી ભોગવવી નહીં પડે. સ્થાનિક સ્તરે જ સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર નિ:શુલ્ક મળવાથી હજારો મધ્યમ અને ગરીબ પરિવારોને આર્થિક તેમજ માનસિક મોટો લાભ થશે, જે માનવસેવાના ઉત્તમ સંકલ્પનું જીવંત ઉદાહરણ પૂરું પાડશે. મહાનુભાવો અને સંતોની ગરિમામય ઉપસ્થિતિ આ લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સાધુ-સંતો, મહંતો, વિવિધ રાજકીય-સામાજિક આગેવાનો, પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક નાગરિકોની વિશાળ જનમેદની વચ્ચે સંપન્ન થયેલો આ પ્રકલ્પ આગામી સમયમાં રાજુલા પંથક માટે આરોગ્ય અને સેવાના ક્ષેત્રમાં એક નવી દિશા કંડારનારો સાબિત થશે.
Read Original Article →