રૂા.1175 પ્રતિ મણના ટેકાના ભાવે ખરીદી:લાઠીમાં યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ
લાઠી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે ચણાની ખરીદી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. ચાલુ સીઝનમાં ચણાનું સારો પાક થતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી આ ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે વિસ્તારમાં ખેડૂતોમાં આનંદ અને રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. લાઠી માર્કેટિંગ યાર્ડ ખાતે નોંધણી બાદ આજે ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરી દેવાય છે. ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ માર્કેટિંગ યાર્ડના ચેરમેન વજુભાઈ શંકરના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કિસાન સંઘના તાલુકા પ્રમુખ એલ.બી. ધોળકિયા તેમજ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ ખેડૂતોના ચણાના માલનું પૂજન કરી ખરીદી પ્રક્રિયાને મંગલ પ્રારંભ અપાવ્યો હતો. ટેકાના ભાવે ચણાની ખરીદી માટે અત્યાર સુધીમાં અંદાજે 1751 જેટલા ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવી છે. સરકાર દ્વારા ચણાનો ટેકાનો ભાવ 1175 રૂપિયા પ્રતિ મણ નક્કી કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં અંદાજે 90 જેટલા ખેડૂતો પાસેથી ક્રમબદ્ધ રીતે ચણાની ખરીદી કરવામાં આવશે. આ માટે યાર્ડના વહીવટી તંત્ર દ્વારા ખરીદી પ્રક્રિયા સરળ અને પારદર્શક રહે તે હેતુથી જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ખેડૂતોને લાંબી કતારમાં ઉભા રહેવું ન પડે તે માટે ટોકન સિસ્ટમ તથા SMS દ્વારા જાણ કરવાની વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. ખેડૂતોને માલ સાફ-સુથરો અને યોગ્ય ગ્રેડિંગ સાથે લાવવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં નોંધણી કરાવેલા અન્ય ખેડૂતોને પણ તબક્કાવાર બોલાવી તેમની પાસેથી ચણાની ખરીદી કરવામાં આવશે. આ પહેલથી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળવાની આશા જાગી છે અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો છે.
Read Original Article →