બેઠક યોજાઈ:અમરેલીમાં ગેસ અને કેમિકલ એકમોની તૈયારીઓનું જિલ્લા સ્તરે મૂલ્યાંકન કરાયું
અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે ડિસ્ટ્રીક્ટ ક્રાઈસીસ ગ્રુપની મહત્વપૂર્ણ બેઠક યોજી જિલ્લામાં કાર્યરત ગેસ અને કેમિકલ આધારિત ઔદ્યોગિક એકમોમાં આપત્તિ વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન મેજર એક્સીડેન્ટ હેઝાર્ડ શ્રેણીમાં આવતી કંપનીઓમાં અગ્નિશામક સાધનો, રેસ્ક્યૂ વ્યવસ્થા, ઇમરજન્સી પ્રતિસાદ પ્રણાલી તેમજ સુરક્ષા ઉપકરણોની ઉપલબ્ધિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બાબરા, અમરેલી તથા રાજુલા-પીપાવાવ વિસ્તારમાં કાર્યરત કુલ છ કંપનીઓની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. સભ્ય સચિવ અને ઔદ્યોગિક સલામતી તથા સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામકે ડિસ્ટ્રીક્ટ ક્રાઈસીસ ગ્રુપના હેતુ, જવાબદારીઓ અને બેઠકના એજન્ડા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને આપત્તિ સર્જાય ત્યારે પ્રથમ પ્રતિસાદ બાદ તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવાની પ્રક્રિયા, સ્થાનિક સ્તરે સંકલન જાળવવાની પદ્ધતિ તથા વિવિધ વિભાગો વચ્ચે ઝડપી કામગીરી સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ પાસેથી સુરક્ષા અને ઇમરજન્સી વ્યવસ્થાની માહિતી મેળવી હતી. સાથે જ પ્રાંત કક્ષાના અધિકારીઓ સાથે સતત સંકલન જાળવી આપત્તિની સ્થિતિમાં ઝડપી અને અસરકારક કામગીરી થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં આપત્તિ વ્યવસ્થાપન, ફાયર વિભાગ, પોલીસ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, સિંચાઈ, પીજીવીસીએલ, ખેતીવાડી વિભાગ, જીઆઈડીસી સહિતના વિભાગોના અધિકારીઓ તેમજ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
Read Original Article →