સ્થાનિકોમાં રોષ:લાઠી અમરેલી હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય
અમરેલી જિલ્લામાં લાઠીથી અમરેલી જતો મુખ્ય હાઇવે રોડ હાલ અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયો છે. માર્ગ પર ઠેરઠેર ઊંડા ખાડાઓ પડતા વાહનચાલકોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે. લાઠી-અમરેલી રોડ માત્ર બે શહેરોને જ નહીં, પરંતુ સાવરકુંડલા, રાજુલા, બગસરા, જુનાગઢ અને ભાવનગર જેવા મહત્વના વિસ્તારોને પણ જોડે છે. રોજબરોજ હજારો નાના-મોટા વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. તેમ છતાં લાંબા સમયથી માર્ગની યોગ્ય મરામત કરવામાં આવી નથી, જેના કારણે રસ્તાની હાલત દિવસેને દિવસે વધુ ખરાબ બની રહી છે. રસ્તા પર પડેલા નાના-મોટા ખાડાઓના કારણે બાઈક અને ચારચક્રી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વરસાદી માહોલ પહેલાં જ માર્ગ બિસ્માર બનતા અકસ્માતની ભીતિ વધી ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત વાહનચાલકો ખાડાઓથી બચવા જતા અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે સ્થાનિક લોકોમાં માર્ગની હાલત અંગે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ લાઠી-અમરેલી હાઇવેનું તાત્કાલિક સમારકામ કરવા તેમજ જરૂરી હોય તો નવો રોડ બનાવવા માંગ ઉઠાવી છે. હવે જવાબદાર તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકો સમસ્યાનો ક્યારે ઉકેલ લાવે છે તે આગામી સમયમાં જોવાનું રહ્યું. આ માર્ગ પર અધિકારીઓ અને નેતાઓ પણ અવર જવર કરે છે આ માર્ગ અમરેલી ભાવનગરને જોડતો મુખ્ય માર્ગ હોવાના કારણે અનેક રાજકીય આગેવાનો અને અધિકારીઓની પણ આ રોડ પર અવરજવર થતી હોય છે. છતાં સમસ્યાનો કોઈ સ્થાયી ઉકેલ લવાતો નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલા લેવાતા નથી.
Read Original Article →