સાવરકુંડલા:પોલીસકર્મીએ ખોવાયેલા દસ્તાવેજો મૂળ માલિકને પરત આપ્યા
સાવરકુંડલા-મહુવા રોડ પર આવેલ એસ.ટી. બસ સ્ટેન્ડ ચોકી ખાતે ફરજ બજાવતા 112 ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા પોલીસ કર્મચારીઓએ પોતાની પ્રમાણિકતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાવરકુંડલામાં પોતાની ફરજ દરમિયાન કર્મચારી કેતનભાઈ પંડ્યાને રોડ પરથી બિનવારસી હાલતમાં એક પ્લાસ્ટિક બેગ મળી આવી હતી. તપાસ કરતાં તેમાં અગત્યના સરકારી તેમજ વ્યક્તિગત દસ્તાવેજો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પિયુષભાઈ ઠાકર સાથે મળી દસ્તાવેજોમાં રહેલી વિગતોના આધારે મૂળ માલિકની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ દસ્તાવેજો કાળુભાઈ ગજેરાના હોવાનું જાણવા મળતાં તેમને તાત્કાલિક સંપર્ક કરી એસ.ટી. બસ સ્ટેન્ડ ચોકી ખાતે બોલાવવામાં આવ્યા હતા. જરૂરી ચકાસણી બાદ તમામ દસ્તાવેજો સુરક્ષિત રીતે તેઓને પરત સોંપવામાં આવ્યા હતા. પોતાના કિંમતી દસ્તાવેજો પરત મળતાં કાળુભાઈ ગજેરાએ બંને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી તેમની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી.
Read Original Article →