'રાજભા ગઢવીને મંજૂરી આપી તો અમને કેમ નહીં?':અમરેલી- જૂનાગઢના માલધારીઓએ સરકાર સામે બાંય ચડાવી; રાજાશાહી વખતના પુરાવા આપ્યા, વનવિભાગના આંખ આડા કાન
લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ અમરેલીના ધારી વિસ્તારમાં ગીરમાં આવેલી જમીન પર ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરી માગી હતી. આ અરજી ગણતરીના સમયગાળામાં મંજૂર થઈ ગઈ. બીજી તરફ, માલધારી તરીકે મંજૂરી મેળવવા વર્ષોથી રાહ જોઈ રહેલા અમરેલી અને જૂનાગઢ જિલ્લાના માલધારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પોતાની વર્ષો જૂની અરજીઓ નામંજૂર થવા પાછળ વનવિભાગની કિન્નાખોરી જવાબદાર હોવાનો આક્ષેપ કરાયો છે. નારાજ માલધારીઓએ હવે ગાંધીનગર સુધી રજૂઆતો કરીને ન્યાય મેળવવા લડત શરૂ કરી છે. રાજભા ગઢવીની અરજી મંજૂર થતા ઊભો થયેલો વિવાદ ગીરમાં વસવાટ કરવા માટે રાજભા ગઢવીના પિતાએ અગાઉ અરજી કરી હતી પણ તે નામંજૂર થઈ હતી. એ પછી મે મહિનાની 19મી તારીખે રાજભા ગઢવી ગાંધીનગરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઓફિસે પહોંચ્યા હતા, તેમની સાથે કીર્તિદાન ગઢવી અને રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ હતા. રાજભા ગઢવી અને તેમના કાકા હરસુરભાઈ કરસનભાઈ ધાનતા (ચારણ) દ્વારા ફરીથી અરજી કરવામાં આવી હતી. તેમણે રજૂઆત કરી હતી કે અંદાજીત 16 વર્ષ પહેલાં તેઓ વાંઢીયું (માલઢોર) લઈને બહાર નીકળ્યા હતા અને ત્યારથી રજીસ્ટરમાં તેમની નોંધ બંધ થઈ ગઈ હતી, જેના કારણે તેમનો રોજગારનો હક છીનવાઈ ગયો છે. આથી પાણીયા રેન્જના કરકડી નેસમાં ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરી આપવામાં આવે.
2023માં નામંજૂર થયેલી અરજી 2026માં સ્વીકારાતા સવાલો રાજભા ગઢવીના પિતા ગોવિંદભાઈ કરશનભાઈ ચારણે 8 ઓગસ્ટ, 2023ના રોજ વન વિભાગને એક અરજી કરી હતી. તેમની રજૂઆત હતી કે આજથી અંદાજે 13 વર્ષ પહેલાં ગીરના જંગલમાં ઘાસની તંગી હતી. એટલે માટે તેઓ માલઢોર લઈને લીલાપાણી નેસ છોડીને બહાર જતા રહ્યા હતા. પરંતુ હવે ફરીથી લીલાપાણી નેસમાં પરત આવવા પરવાનગી મળવી જોઈએ.
વર્ષ 1939ના રાજાશાહી વખતના પુરાવા છતાં સ્થાનિકો વંચિત માલધારી ગોલણભાઈ જેબલીયાએ જણાવ્યું કે તેઓ રાજાશાહીના સમયથી, એટલે કે 1939થી માલધારી છે અને તેમની પાસે 1966 સુધીના કાયમી મસવાડી પાસના પુરાવા પણ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે ફોરેસ્ટ પાસેથી કોઈ જમીન કે મકાન લીધું નથી અને તેઓ કાયમી માલધારી છે.
સરકારી પરિપત્રનું ઉલ્લંઘન અને સેલિબ્રિટીને પ્રાધાન્ય આપવાનો આક્ષેપ તેમણે સરકારના 1970 પહેલાના પરિપત્રનો ઉલ્લેખ કર્યો, જે મુજબ એક જ નેહડા પર 3 વર્ષથી મસવાડી પાસ ધરાવતા માલધારીઓને મંજૂરી આપવાની જોગવાઈ છે. ગોલણભાઈએ આક્ષેપ કર્યો કે તેમની અરજીઓ કિનાખોરી રાખીને ફાઇલ કરી દેવાય છે, જ્યારે રાજભા ગઢવી જેવા સેલિબ્રિટીને ઝડપથી મંજૂરી મળી જાય છે. સમાન પુરાવા છતાં સામાન્ય માલધારીઓ સાથે ભેદભાવ સામાન્ય માલધારીઓ પાસે પણ માલઢોર સહિતના તમામ પાકા પુરાવા હોવાનું જણાવી રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે રાજભા ગઢવીએ જેટલા પુરાવા રજૂ કર્યા છે, તેટલા જ પુરાવા તેઓ પણ રજૂ કરવા તૈયાર છે અને તેમને પણ ન્યાય મળવો જોઈએ. ગઈકાલે કેટલાક માલધારીઓ ગાંધીનગર PCCF સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેના કારણે આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે. બીમારીના કારણે સ્થળાંતર કરવું પડ્યું પણ હવે નેહડે જવા મંજૂરી નથી માલધારી ગોલણભાઈ જેબલીયાએ જણાવ્યું કે, "અમે 3-4 વખત અરજીઓ કરી હતી અમારા ઝૂંપડા પણ તૈયાર છે પરંતુ અમારી અરજીનો કોઈ જવાબ નહિ. 10 વર્ષ પહેલા અમે સીટીમાં રહેતા હતા ત્યાંથી અમારા બા બીમાર હતા એટલે પીપળવા બોડરમા રહેતા હતા. પછી એક સાહેબ આવ્યા એણે ન જવા દીધા, પછી અમે નેહડે જવા માટે અરજીઓ કરી પણ કોઈ જવાબ આવ્યો નહિ. રાજભાને મંજૂરી મળી ગઈ, અમે માલધારી છીએ અમને કેમ નહિ? અમારી અરજી લે અને અમને નેહડે ફરી જવા દે તેવી માંગણી છે." ગીર સંવર્ધન માટે વનવિભાગનો આ નિર્ણય દુઃખદ: ગોગરેટ ફાઉન્ડેશન ગોગરેટ ફાઉન્ડેશન ચેરમેન ભગવાનભાઈ સોલંકીએ જણાવ્યું કે, "ગુજરાતના જાણીતા કલાકાર રાજભા ગઢવીએ 2023માં ગીર પૂર્વમાં અરજી કરી હતી. ઝૂંપડા બાંધી માલઢોર સાથે અરજી કરી પરવાનગી માંગી હતી, ત્યારબાદ DCF દ્વારા ચોક્કસ કારણો રજૂ કર્યા અને વ્યાજબી કારણો સાથે અભિપ્રાય નકાર્યો હતો. હવે વર્તમાન DCF દ્વારા લીલાપાણી નેસમાં માલઢોર બાંધવા મંજૂરી આપી છે. અગાઉના DCF દ્વારા અરજીમાં નકારાત્મક કારણો સાથે રજૂ કરે છે, એ જ અરજીમાં 2026માં મંજૂર કરે છે આ બાબત ગીર સંવર્ધન માટે દુઃખદ છે. આવી પરમિશન ન આપવી જોઈએ. વૈભવી જીવન જીવે છે, સારી સુવિધા છે તે લોકોને પણ ખ્યાલ છે. હવે આ વિચારવું જોઈએ, રાજભા ગઢવી છે તે ગીર નેસમાં જઈ ગાય-ભેંસને ચરાવવાના નથી. આવનારા સમયમાં ગિરમાં ઘણા બધાના પ્રશ્નો ઉઠશે."
વિવાદ મુદ્દે ધારી ગીર પૂર્વ DCF વિકાસ યાદવનું મૌન ગુજરાતના લોકસાહિત્યકાર રાજભા ગઢવીની અરજી બાદ નેસમાં મંજૂરી મળ્યા બાદ મીડિયા દ્વારા ધારી ગીર પૂર્વ ડિવિઝન DCF વિકાસ યાદવનો સંપર્ક કરતા કોઈ જવાબ અપાયો નહીં. માલધારીઓ સામે આવતા ફરીવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ જવાબદારીમાંથી છટકવા માટે મૌન ધારણ કર્યું છે અને મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું છે. ગાંધીનગરમાં PCCF સમક્ષ રજૂઆત અને આગામી આંદોલનની તૈયારી ગઈ કાલે ગાંધીનગરમાં જૂનાગઢ સહિત ગીર આસપાસના ગામડામાં રહેતા માલધારીઓ ગાંધીનગર ખાતે એકત્ર થયા હતા અને PCCF સાથે મુલાકાત કરી રાજ્ય સરકારમાં નેસમાં મંજૂરી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટેની તૈયારીઓ થઈ રહી છે. વિવાદનું મૂળ આ પણ વાંચો… રાજભા ગઢવીની વગ સામે વનવિભાગના નિયમો ટૂંકા પડ્યા: ગીરમાં માલધારી તરીકે વસવાટની તરત મંજૂરી આપી
ગીરના સિંહોની સલામતીના સરકાર ઘણા દાવા કરે છે. પણ કલાકારોની વગ સામે અધિકારીઓ કેવી રીતે નતમસ્તક થઈને જાય છે અને ગીરની સુરક્ષા માટે બનાવેલા નિયમોને નેવે મૂકી દેવાય છે તેનો જીવતો જાગતો પુરાવો દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યો છે. જાણિતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી આ વિવાદના કેન્દ્રમાં છે. થોડા દિવસો પહેલાં રાજભાએ વનવિભાગમાં અરજી કરી હતી. તેમણે અમરેલીના ધારી વિસ્તારમાં ગીરમાં આવેલી જમીન પર ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરી માગી હતી. આ અરજી ગણતરીના સમયગાળામાં મંજૂર થઈ ગઈ અને આ સાથે જ વનવિભાગની બેવડી નીતિનો પર્દાફાશ થયો. કારણ કે રાજભાના જ પિતાએ 3 વર્ષ પહેલાં કંઈક આવી જ અરજી કરી હતી, અને આ જ વિભાગે સજ્જડ કારણો ધરીને પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. દિવ્ય ભાસ્કર પાસે આ બન્ને અધિકારીઓના લેખિત નિર્ણયના ડોક્યુમેન્ટ્સ છે. (સંપૂર્ણ અહેવાલ વાંચો)
Read Original Article →