લોકાર્પણ સમારોહ:રાજુલામાં આજે સીએમના હસ્તે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ

Gujarat5/13/2026, 12:00:00 AM
રાજુલા ખાતે નિર્મિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજાશે. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત આ 100 બેડની અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સમગ્ર પંથકના લોકો માટે આરોગ્યસેવાનું અમૂલ્ય કેન્દ્ર બની રહેશે. રાજુલાની આ હોસ્પિટલમાં દર્દીઓને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોસ્પિટલમાં ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી સહિત અનેક આધુનિક આરોગ્ય સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ રહેશે. આશરે દસ જેટલી વિશેષ સારવાર સેવાઓથી સજ્જ આ આરોગ્ય મંદિર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ બનશે, હાલ સુધી ગંભીર અથવા વિશેષ સારવાર માટે રાજુલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને ભાવનગર, રાજકોટ કે અમદાવાદ જેવા શહેરોમાં જવું પડતું હતું. નવી હોસ્પિટલ શરૂ થતાં સ્થાનિક સ્તરે જ ગુણવત્તાસભર અને સમયસર સારવાર મળી શકશે, જેના કારણે દર્દીઓના સમય અને ખર્ચમાં નોંધપાત્ર રાહત મળી શકશે. તેમજ રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા ઉભું કરાયેલ આ પ્રકલ્પ માત્ર હોસ્પિટલ નહીં પરંતુ માનવસેવાના મહાયજ્ઞનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે. આરોગ્ય ક્ષેત્રે આ પહેલથી હજારો પરિવારોને સીધો લાભ મળશે અને સમગ્ર પંથકમાં આરોગ્યસુવિધાનો નવો અધ્યાય શરૂ થશે. આવતીકાલે યોજાનારા લોકાર્પણ સમારોહમાં આગેવાનો, પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહેશે.
Read Original Article →