તસ્કરોનો તરખાટ:ખાખરિયામાં બંધ મકાનના તાળા તોડી 3 લાખ રોકડ, દાગીના મળી રૂ.18.60 લાખની ચોરી
બાબરા તાલુકાના ખાખરીયા ગામે રહેતા અને ખેતીકામ સાથે સંકળાયેલા જાદવભાઈ સવજીભાઈ નારોલા (ઉ.વ.80) પરિવાર સાથે સુરત ખાતે તેમના પૌત્રીની સગાઈ પ્રસંગે ગયા હતા. આ દરમિયાન ઘર સંપૂર્ણ બંધ હોવાથી અજાણ્યા તસ્કરોએ તકનો લાભ લીધો હતો. ગઈ કાલે રાત્રિના સમયથી સવારના આશરે 10 વાગ્યા સુધીના ગાળામાં અજાણ્યા શખ્સોએ મકાનના મુખ્ય ડેલાના તાળા તોડી અંદર પ્રવેશ કરી રૂમના દરવાજા અને કબાટના તાળા તોડી તેજુરીનો લોક પણ તોડી નાખ્યો હતો. શખ્સોએ તેજુરીમાં રાખેલા આશરે 50 ગ્રામ વજનની સોનાની માળા, 40 ગ્રામનો સોનાનો હાર, બે સોનાની વીંટી અને કાનની પોખાની, 10 ગ્રામની બે સોનાની સુડલી જેની કિંમત આશરે 15.60 લાખ ઉપરાંત કપાસ અને શીંગ વેચાણની રૂપિયા 3 લાખ રોકડ રકમ મળી કુલ રૂપિયા 18.60 લાખ તસ્કરો ઉઠાવી ગયા હતા. આ અંગે બાબરા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેની આગળની તપાસ બાબરા પીઆઇ આર.આર.પરમાર અને ટીમ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ અને શંકાસ્પદ હિલચાલ અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
Read Original Article →