સ્થાનિકોમાં ભય:વડીયાના સદગુરુનગર વિસ્તારમાં દીપડાના આંટાફેરા
વડીયાના બરવાળા બાવળ રોડ પર આવેલા સદગુરુ નગર વિસ્તારમાં દીપડાએ દેખા દેતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. આ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી નજીક જ રાત્રીના સમયે દીપડો આવી ચડતાં સ્થાનિક રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દીપડો અહીં રખડતા શ્વાન (કૂતરા)નો શિકાર કરવાની ફિરાકમાં આવ્યો હતો. ઝૂંપડાની સાવ નજીક જ દીપડાને જોઈ જતાં લોકો ગભરાઈ ગયા હતા. જો કે, લોકોની અવરજવર અને દેકારો જોઈને દીપડો ત્યાંથી આઈટીઆઈ તરફ પલાયન થઈ ગયો હતો, જેથી એક મોટી આફત ટળી હતી. પરંતુ દીપડાની આ વિસ્તારમાં હાજરીને કારણે લોકો હવે રાત્રે બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. સ્થાનિક રહીશોએ તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, સદગુરુનગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટોના અભાવે ઘોર અંધારપટ છવાયેલો રહે છે, જેના કારણે દીપડા જેવા હિંસક વન્યજીવોનો ખતરો વધુ વધી જાય છે. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અવારનવાર ગ્રામ પંચાયતને લાઈટો નાખવા અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.અંધારાનો લાભ લઈને દીપડો ગમે ત્યારે ફરી ત્રાટકી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક આ વિસ્તારમાં પાંજરૂ મૂકી દીપડાને પાંજરે પૂરવા અને ગ્રામ પંચાયતને સત્વરે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા ઉગ્ર માંગ કરી છે.
Read Original Article →