રજૂઆત:કિસાન સંઘના કલેક્ટર કચેરીએ ડીઝલ આપોના નારા

Gujarat5/23/2026, 12:00:00 AM
રજૂઆત:કિસાન સંઘના કલેક્ટર કચેરીએ ડીઝલ આપોના નારા
હાલના સમયમાં ખેતી કામોમાં બળદગાડાની જગ્યાએ ટ્રેક્ટર અને સનેડા જેવા સાધનોનો વધુ ઉપયોગ થતો હોવાથી ડીઝલ ખેતી માટે અનિવાર્ય બની ગયું છે. પરંતુ પેટ્રોલ પંપ પર મર્યાદિત માત્રામાં ડીઝલ આપવામાં આવતાં ખેડૂતો સમયસર ખેડાણ અને વાવણી પૂર્વેના કામો પૂર્ણ કરી શકતા નથી. પંપો માત્ર એક હજાર રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવે છે, જેના કારણે ખેતીના જરૂરી કામો અધૂરાં રહી જાય છે. પરિણામે ખેડૂતોને ખેતી કામ છોડીને ડીઝલ માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે.. ખેડૂતોની સમસ્યાને લઈને કિસાનસંઘ હવે સક્રિય બન્યું છે. કિસાનસંઘના આગેવાનો આજે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી નિવાસી અધિક કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં ખેડૂતોને જરૂરિયાત મુજબ ડીઝલ અને ખાતર તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી હતી. સાથે જ કિસાનસંઘે બજારમાં વેચાઈ રહેલા નકલી બિયારણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ખેડૂતો સાથે છેતરપિંડી કરતા નકલી બિયારણના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા તેમજ ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ કરાવવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે. કિસાન સંઘે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં ડીઝલ આપોના નારા લગાવ્યા હતા. નકલી બિયારણ વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરો : દુધાત અમરેલી જિલ્લા ભરમાં નકલી અને બિલ વગરના બિયારણની ભરમાર છે. ખેડૂતોને છેતરી નકલી બિયારણ ધાબડી દે છે. પરિણામે ખેડૂતને ઉપજ મળતી નથી આવા વિક્રેતાઓ ઉપર કડક કાર્યવાહી કરો. > વિનુભાઈ દુધાત, જિલ્લા મંત્રી, કિસનસંઘ
Read Original Article →