ગીર પૂર્વમાં સિંહણનું મૃત્યુ:માહિતી લીક થતાં વનવિભાગમાં આંતરિક વિવાદ; જૂનાગઢ CF દ્વારા તપાસના આદેશ, બેદરકારીનો રિપોર્ટ બનશે

Gujarat6/5/2026, 10:15:02 AM
ગીર પૂર્વમાં સિંહણનું મૃત્યુ:માહિતી લીક થતાં વનવિભાગમાં આંતરિક વિવાદ; જૂનાગઢ CF દ્વારા તપાસના આદેશ, બેદરકારીનો રિપોર્ટ બનશે
અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝનની સરસીયા રેન્જમાં લુવારીયા કૃષ્ણગઢ વિસ્તારમાંથી ગઈ કાલે એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના બાદ વનવિભાગની કામગીરી પર સવાલો ઉભા થયા છે. જૂનાગઢના ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર (CF) રામ રતન નાલાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ગીર પૂર્વ ડિવિઝન, શેત્રુંજી ડિવિઝન અને વિસ્તરણના ત્રણેય બોર્ડર ડિવિઝનના ACF કક્ષાના અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે. તપાસ ટીમ મૃતદેહ કેટલા દિવસથી પડ્યો હતો, કોની બેદરકારી હતી, વનવિભાગના સ્ટાફને કેમ જાણ ન હતી અને સિંહણના મોત પાછળ કોણ જવાબદાર છે તે સહિતના મુદ્દાઓની તપાસ કરશે. ACF કક્ષાના અધિકારીઓની ટીમે સ્થળ મુલાકાત લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વનવિભાગે દાવો કર્યો છે કે સિંહણ ગર્ભવતી હતી અને ગર્ભમાં રહેલા બચ્ચાના મોત થવાને કારણે સિંહણનું પણ મૃત્યુ થયું હતું. જોકે, સ્થાનિક લોકોનો આરોપ છે કે સિંહણ બીમાર હોવા અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈએ ગંભીરતા ન લેતા આ ઘટના બની છે. દરમિયાન, સિંહણના મૃતદેહ મળ્યાના સમાચાર મીડિયા સુધી પહોંચતા વનવિભાગમાં આંતરિક વિવાદ સર્જાયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ACF કક્ષાના અધિકારીઓએ માહિતી લીક કરવા બદલ નીચેના સ્ટાફને ઠપકો આપ્યો હતો. આના કારણે ગ્રાઉન્ડ સ્ટાફમાં સિનિયર અધિકારીઓ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.
Read Original Article →