જાફરાબાદમાં સસલાનો શિકાર કરતા ત્રણ ઝડપાયા:વન વિભાગે રૂ. 30,000નો દંડ ફટકારી મુક્ત કર્યા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કોળી કંથારીયા ગામ નજીક સસલાનો શિકાર કરવાનો પ્રયાસ કરતા ત્રણ શખ્સોને વન વિભાગે ઝડપી પાડ્યા છે. વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ આ ત્રણેય આરોપીઓને રૂ. 30,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી 7 જૂન, 2026ના રોજ કરવામાં આવી હતી. શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણાના નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન અને મદદનીશ વન સંરક્ષક વિરલસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ રેન્જના નાગેશ્રી રાઉન્ડ હેઠળ નાગેશ્રી બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગના સ્ટાફને આ અંગે જાણ થઈ હતી. કોળી કંથારીયા ગામના ખારા મેદાન વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા સસલાને પકડવા માટે જાળ ગોઠવી શિકાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આરોપીઓ સસલાને ભગાડી જાળમાં ફસાવી તેને મારી તેનું માંસ ખાવાના ઇરાદે શિકાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ મામલે હરેશ બાબુ ચૌહાણ, સવજી બાબુ ચૌહાણ અને કૈલાસગીરી ભિખુગીરી ગૌસ્વામી (ત્રણે રહેવાસી કોળી કંથારીયા, તા. જાફરાબાદ) સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તાલુકા વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓને ગુનાના માંડવાળ પેટે ₹30,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ચલણ ભર્યા બાદ જાતમુચરકામાં મુક્ત કરવામાં આવ્યા હતા. વન વિભાગના ACF વિરલસિંહ ચાવડાએ લોકોને અપીલ કરી છે કે, વન્યપ્રાણીઓનું સંરક્ષણ દરેકની ફરજ છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. આ સમગ્ર કાર્યવાહીમાં RFO જે. એન. શેતરણીયા, ફોરેસ્ટ સ્ટાફ એસ. એમ. પ્રજાપતિ, નરેશ બાબરીયા, ટ્રેકર્સ વિજય વરૂ, જયવીર વરૂ, કરણ વાઢેર અને ડ્રાઈવર કરણ વાઘેલા સહિત જાફરાબાદ રેન્જની ટીમ સામેલ હતી.
Read Original Article →