Live Updates

સિંહનો શિકાર બનતા માંડ માંડ બચ્યો યુવક, CCTV:જાફરાબાદના કડીયાળી ગામની શેરીમાં પશુનો શિકાર કરી સિંહ યુવક પાછળ દોડ્યો

Gujarat5/14/2026, 6:23:56 AM
સિંહનો શિકાર બનતા માંડ માંડ બચ્યો યુવક, CCTV:જાફરાબાદના કડીયાળી ગામની શેરીમાં પશુનો શિકાર કરી સિંહ યુવક પાછળ દોડ્યો
અમરેલી જિલ્લામાં વન્યજીવો અને માનવ વસાહત વચ્ચેનો સંઘર્ષ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ખાસ કરીને જાફરાબાદ પંથકમાં સિંહોનો વસવાટ વધતા ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ છે. જાફરાબાદના કડીયાળી ગામમાં સિંહ ઘૂસી આવવાની અને પશુઓનો શિકાર કરવાની ઘટના સામે આવી છે. ગામની શેરીમાં પશુનો શિકાર કરીને સિંહ યુવક પાછળ દોડ્યો હતો, જેના લાઈવ CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગામની શેરીમાં સિંહે કર્યો શિકાર ગઈકાલે રાત્રે આશરે 10:30 વાગ્યાના સુમારે એક સિંહ ખોરાકની શોધમાં કડીયાળી ગામની મુખ્ય બજાર અને શેરીઓમાં આવી ચઢ્યો હતો. સિંહને જોતા જ શેરીમાં સૂતેલા શ્વાન અને અન્ય પશુઓ જીવ બચાવવા આમ-તેમ ભાગવા લાગ્યા હતા. સિંહે ગામની વચ્ચે જ બે પશુઓનું મારણ કર્યું હતું અને શિકારને ઢસડીને ગામની બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. સિંહ નજીક આવી જતા યુવકનો જીવ તાળવે ચોંટ્યો આ ઘટના દરમિયાન ગામની શેરીમાંથી પસાર થઈ રહેલા એક રાહદારીનો સામનો અચાનક સિંહ સાથે થઈ ગયો હતો. સિંહ એકદમ નજીક આવી જતાં યુવક ડરી ગયો હતો અને પોતાનો જીવ બચાવવા માટે જોરદાર દોટ મૂકી હતી. સિંહ પણ યુવકની પાછળ થોડે સુધી દોડ્યો હોવાનું CCTV માં દેખાય છે. સદનસીબે યુવકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આ દ્રશ્યો જોઈને ગ્રામજનોમાં ભારે ગભરાટ ફેલાયો છે. વન વિભાગ સામે ગ્રામજનોની નારાજગી વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક લોકોમાં વન વિભાગ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કડીયાળી ગામના સરપંચ સવજીભાઇએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમારા ગામમાં વારંવાર સિંહ આવી ચઢે છે. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યે સિંહ આવતા તેણે પશુઓનું મારણ કર્યું છે. વન વિભાગને આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેઓ માત્ર 'કાર્યવાહી કરીએ છીએ' તેમ કહીને હાથ ઊંચા કરી દે છે. ગામમાં સિંહ ન ઘૂસે તે માટે કાયમી ઉકેલ લાવવો જરૂરી છે. પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતી જાફરાબાદ રેન્જમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે, જેને કારણે વન્યપ્રાણીઓ હવે ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ વળી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે વન વિભાગ આ મામલે કોઈ નક્કર પગલાં ભરે છે કે પછી ગ્રામજનોએ આમ જ ફફડાટમાં જીવવું પડશે.
Read Original Article →