જાફરાબાદ માછીમારોની માંગ: સેટેલાઇટ ફોનની રેન્જ વધારો:ઓપરેશન સિંદૂર બાદ ઘટાડેલી રેન્જથી દરિયામાં મુશ્કેલી

Gujarat4/9/2026, 6:29:37 AM
જાફરાબાદ માછીમારોની માંગ: સેટેલાઇટ ફોનની રેન્જ વધારો:ઓપરેશન સિંદૂર બાદ ઘટાડેલી રેન્જથી દરિયામાં મુશ્કેલી
જાફરાબાદના માછીમારોએ સેટેલાઇટ ફોનની રેન્જ વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી છે. માછીમારોનો દાવો છે કે 'ઓપરેશન સિંદૂર' બાદ સેટેલાઇટ ફોનની રેન્જ ઘટાડી દેવામાં આવી છે, જેના કારણે તેઓ દરિયામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારત સરકાર દ્વારા ગુજરાતના માછીમારોને બોટમાં લાયસન્સ અને BSNL સિમકાર્ડ સાથેના સેટેલાઇટ ફોન આપવામાં આવ્યા હતા. આ ફોન દ્વારા માછીમારોને દરિયાઈ વાતાવરણની માહિતી મળતી હતી અને તેઓ સમયસર કિનારે પહોંચી શકતા હતા. હાલમાં, અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પરના 10 સેટેલાઇટ ફોન બંધ છે અને તેમની રેન્જ પણ ઘટાડી દેવાઈ છે. 'ઓપરેશન સિંદૂર' પછી અચાનક રેન્જ ઘટાડીને માત્ર 20 નોટિકલ માઈલ સુધી સીમિત કરી દેવામાં આવી છે. માછીમાર આગેવાનોના મતે, વાવાઝોડા કે ખરાબ વાતાવરણ સમયે આ સેટેલાઇટ ફોન અત્યંત મદદરૂપ થાય છે. તાઉતે વાવાઝોડા દરમિયાન, જ્યારે અન્ય કોઈ બોટ સાથે સંપર્ક થઈ શકતો ન હતો, ત્યારે આ 10 સેટેલાઇટ ફોન દ્વારા શિયાળબેટ અને અન્ય બંદરોના માછીમારોનો સંપર્ક કરીને તેમને સુરક્ષિત બચાવી શકાયા હતા. જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, ખરાબ વાતાવરણમાં માછીમારોનો સંપર્ક ન થતાં તેઓ મુશ્કેલીમાં મુકાય છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારને સેટેલાઇટ ફોનની રેન્જ પૂર્વવત કરવા વિનંતી કરી છે, જેથી માછીમારોને મોટો ફાયદો થઈ શકે.
Read Original Article →