90% ગુણ સાથે આરોગ્ય કેન્દ્ર પાસ:મોટા ગોખરવાળા આયુષ્યમાન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ: NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું
સરકાર દ્વારા ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ચલાવવામાં આવતા અભિયાન અંતર્ગત, મોટા ગોખરવાળા સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) નું પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં આ આરોગ્ય કેન્દ્રએ ૯૦% સ્કોર મેળવીને પોતાની શ્રેષ્ઠ કામગીરી પુરવાર કરી છે. ગત તા. 26 ફેબ્રુઆરીના રોજ મોટા ગોખરવાળા આરોગ્ય મંદિરનું રાષ્ટ્રીય સ્તરની ટીમ દ્વારા ઓનલાઇન એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. આ કડક પરીક્ષણ બાદ આજે જાહેર થયેલા પરિણામમાં સંસ્થાએ ઉચ્ચ ગુણવત્તા સાબિત કરી છે. આ પ્રમાણપત્ર આગામી ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. આ સફળતા પાછળ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આર. કે. ભટ્ટ, વાંકીયા મેડિકલ ઓફિસર ડૉ. મિહિર મહેતા તથા આ. મેડિકલ ઓફિસર ડૉ. કિરણબેન શેલડિયાનું સતત માર્ગદર્શન અને મોટા ગોખરવાળા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અને ટીમ વાંકીયાના કર્મચારીઓની રાત-દિવસની સખત મહેનતના પરિણામે આ સિદ્ધિ હાંસલ થઈ હતી. સાથે સાથે આરોગ્ય કેન્દ્રની આ સિદ્ધિમાં સ્થાનિક ગ્રામજનોનો પણ મોટો ફાળો રહ્યો છે. ગામના લોકો દ્વારા આરોગ્ય કેન્દ્રની જરૂરિયાત મુજબ વિવિધ ચીજવસ્તુઓનું ઉદાર હાથે દાન આપવામાં આવ્યું હતું. આ બદલ આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ NQAS પ્રમાણપત્ર મળવાથી હવે આ વિસ્તારના લોકોને વધુ આધુનિક અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત થશે.
Read Original Article →