11 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી:સભામાં મોડા પહોંચ્યા તો પ્રવેશ ન મળ્યો, પોતાને જ મત આપી ન શક્યા, છતાં તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા!
અમરેલી જિલ્લામાં આજે તમામ 11 તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ હતી લાઠી તાલુકા પંચાયતમાં ભાજપના ટેકાથી આમ આદમી પાર્ટીના મહિલા સભ્ય પ્રમુખ તરીકે ચૂંટાયા છે. જો કે તેઓ સભામાં મોડા પહોંચતા તેમને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા દેવાયો ન હતો. આમ છતાં અગાઉથી જ ફોર્મ ભરેલું હોય તેવો પ્રમુખપદે ચૂંટાયા હતા. અમરેલી જિલ્લાની 11 તાલુકા પંચાયતમાંથી 9 તાલુકા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. જ્યારે લીલીયા અને બગસરા તાલુકા પંચાયતમાં ભાજપને બહુમતી મળી શકી ન હતી. નવ પૈકી લાઠી તાલુકા પંચાયત એવી છે જ જ્યાં ભાજપને સ્પષ્ટ બહુમતી તો મળી છે પરંતુ પ્રમુખ પદ ઓબીસી મહિલા અનામત છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી એક પણ ઓબીસી મહિલા ચૂંટાઈ ન હતી. જેને પગલે ગઈકાલે કોળી સમાજના આગેવાનોએ મોરચો સંભાળી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા રમીલાબેન પુનતિયાંને પ્રમુખ પદે બેસાડવા તખ્તો ઘડયો હતો. જો કે આજે પ્રમુખ પદની ચૂંટણી માટે બેઠક શરૂ થઈ ત્યારે 15 સભ્યો હાજર હતા અને ખુદ રમીલાબેન ગેરહાજર હતા. સમય વીત્યા બાદ તેઓ સભાના સ્થળે આવતા પ્રાંત અધિકારીએ તેમને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતા અટકાવી દીધા હતા. જોકે તેમણે અગાઉ જ પ્રમુખ પદ માટે ફોર્મ ભરેલું હતું. પ્રમુખ પદની દાવેદારીમાં ત્રણ મહિલા હતી. રમીલાબેન ખુદ પોતાને જ મત આપી શક્યા ન હતા. આમ છતાં ભાજપના તમામ 10 મત તેમને મળ્યા હતા. જ્યારે અન્ય ઉમેદવાર શાંતુબેન ડેરને બે મત મળ્યા હતા અને ક્રિષ્નાબેનને ચાર મત મળ્યા હતા. જેને પગલે રમીલાબેનને વિજેતા જાહેર કરાયા હતા ધારી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણી યોજાતા મહેશભાઈ સાવલિયા પ્રમુખ પદે ચૂંટાયા હતા. જ્યારે ગુલાબબેન વાળાની ઉપપમુખ પદે વરણી થઈ હતી. અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ પદે ગીતાબેન માંડણકાની વરણી કરવામાં આવી હતી. અહીં ઉપપ્રમુખ પદે વિલાસબેન ખુમાણ ચૂંટાયા હતા. બગસરા અને લીલીયા તાલુકા પંચાયતને બાદ કરતા તમામ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ ચૂંટાયા છે. જે પૈકી લાઠી તાલુકા પંચાયતમાં ભાજપના ટેકાથી આમ આદમી પાર્ટીના પ્રમુખ ચૂંટાયા છે. બગસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી પાસે 10 સભ્યો સાથે બહુમતી છે. આજે પ્રમુખ પદની વરણી કરવામાં આવતા આપના રમેશભાઈ સતાસિયા પ્રમુખ પદે ચૂંટાયા હતા. પ્રાંત અધિકારીએ કહ્યું, ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય પ્રવેશ અપાયો ન હતો
સવારે બેઠક શરૂ થવાના સમયે સૌપ્રથમ પાંચ સભ્યો હાજર હતા. બાદમાં સભ્યોની રાહ જોતા 15 સભ્યોનું કોરમ પૂરું થયા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાઈ હતી. ત્યારબાદ રમીલાબેન આવતા તેમને સભામાં પ્રવેશ અપાયો ન હતો. તેઓ દસ મત મેળવવી પ્રમુખ પદે ચૂંટાયા છે. બગસરા તા. પં. આમ આદમી પાર્ટીએ કબજે કરી બગસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી પાસે 10 સભ્યો સાથે બહુમતી છે. આજે પ્રમુખ પદની વરણી કરવામાં આવતા આપના રમેશભાઈ સતાસિયા પ્રમુખ પદે ચૂંટાયા હતા. લીલીયા તા. પં.માં કોંગ્રેસના પ્રમુખ લીલીયા તાલુકા પંચાયતમાં ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી હતી. અહીં કોંગ્રેસના જગદીશભાઈ દેથલીયાની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. તેમણે આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. રમીલાબેનને આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાશે
રમીલાબેને ભાજપનો સાથ પકડી લાઠી તા. પં.નું પ્રમુખ પદ કબજે કરતા આમ આદમી પાર્ટીએ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા ગતિવિધિ હાથ ધરી છે. આવતીકાલ સુધીમાં તેમને પક્ષમાંથી પાણીચૂ અપાશે.
Read Original Article →