ખડ ખંભાળીયા, ઘુઘરાળા અને કરજાળામાં આકાશમાંથી ટપોટપ ખર્યા કરા:વડિયા તાલુકાના ગામડાઓમાં પણ મેઘરાજાનું આગમન: પારો 41.7 ડિગ્રી

Gujarat6/4/2026, 12:00:00 AM
ખડ ખંભાળીયા, ઘુઘરાળા અને કરજાળામાં આકાશમાંથી ટપોટપ ખર્યા કરા:વડિયા તાલુકાના ગામડાઓમાં પણ મેઘરાજાનું આગમન: પારો 41.7 ડિગ્રી
હવામાન વિભાગ દ્વારા પ્રિમોન્સુન એક્ટીવીટીના ભાગરૂપે અમરેલી પંથકમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે બપોર બાદ આ વિસ્તારમાં આકાશમાં ઘનઘોર વાદળો ચડી આવતા ચોમાસુ નજીકમાં હોવાનું અહેસાસ થયો હતો. જો કે છેલ્લા ત્રણ ચાર દિવસથી અમરેલી શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી કરતા નીચે રહેતો હતો. પરંતુ આજે તાપમાન સડસડાટ ઉંચકાયું હતું અને મહત્તમ તાપમાનનો પારો સીધો 41.7 ડિગ્રી પર પહોંચી ગયો હતો. જેને પગલે અમરેલીવાસીઓ અકળાઈ ઉઠ્યા હતા. ખાસ કરીને વરસાદી માહોલ અને ઉંચા તાપમાનના કારણે ભારે બફારો અનુભવાતો હતો. અમરેલી તાલુકાના ખડ ખંભાળીયા તથા લાપાળીયા આસપાસના ગામોમાં ઢળતી સંધ્યાએ ગાજવીજ સાથે વરસાદ તુટી પડ્યો હતો. ખડ ખંભાળીયામાં તો મોટા મોટા કરા પણ પડ્યા હતા. જો કે અમરેલી શહેર પર માત્ર ઘટાટોપ વાદળો છવાયા હતા. પણ વરસ્યા ન હતા. સાવરકુંડલા તાલુકાના કરજાળામાં પણ સાંજના સમયે કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બગસરા તાલુકાના ખારી તથા આસપાસના ગામડાઓમાં પણ મોડી સાંજે વરસાદ શરૂ થયો હતો. જ્યારે વડીયા તાલુકાના અમરાપુર તથા આસપાસના ગામોની જમીનને પણ મેઘરાજાએ ભીંજવી હતી. બાબરાના મોટા દેવળીયા ગામે સાંજના સમયે જોરદાર ઝાપટા વરસી જતા રસ્તા પરથી પાણી વહેવા લાગ્યા હતા અને આકરી ગરમીમાંથી લોકોએ રાહત મેળવી હતી. બાબરા તાલુકાના ઘુઘરાળા ગામે પણ અસહ્ય ઉકળાટ વચ્ચે સાંજના સમયે કરા સાથે વરસાદ વરસ્યો હતો. ખેડૂતોએ ખેતીની તૈયારીને વેગ આપ્યો આમ તો હજુ ચોમાસુ બેસવાને એક અઠવાડીયા કરતા વધુ સમયની વાર છે. પરંતુ તે પહેલા જ પ્રિમોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે વરસાદની શરૂઆત થતા આ વિસ્તારના ખેડૂતોએ ખેતીની તૈયારીના કામને પણ આજે વેગ આપ્યો હતો.
Read Original Article →