તા.પંચાયતની રસાકસીવાળી બેઠકો પર ભાજપનો ખેલ શરૂ!:દાંતા અને વડગામમાં કોંગ્રેસની પીછેહટ અને અપક્ષના ટેકે ભાજપની સત્તા; જુનાગઢમાં AAP ઉમેદવારની ધરપકડ

Gujarat5/25/2026, 4:55:02 AM
તા.પંચાયતની રસાકસીવાળી બેઠકો પર ભાજપનો ખેલ શરૂ!:દાંતા અને વડગામમાં કોંગ્રેસની પીછેહટ અને અપક્ષના ટેકે ભાજપની સત્તા; જુનાગઢમાં AAP ઉમેદવારની ધરપકડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા બાદ પ્રથમ તબક્કામાં 133 તાલુકા પંચાયતના પ્રમુખોની જાહેરાત થયા પછી, આજે 25 મેના રોજ બાકી રહેલી 127 તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બનાસકાંઠાના વડગામમાં ભારે હોબાળો મચી ગયો હતો. વડગામ તાલુકા પંચાયત હોલની અંદર પ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન જ કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે ભારે બબાલ અને ધક્કામુક્કીના દૃશ્યો સર્જાયા હતા. વડગામમાં ભાજપે કોંગ્રેસના હાથમાંથી જીતેલી બાજી આંચકી લીધી બનાસકાંઠા જિલ્લાની વડગામ અને દાંતા તાલુકા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણીમાં ભારે રસાકસી અને હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ભારતીય જનતા પાર્ટીએ 'ઓપરેશન લોટસ' હેઠળ વિપક્ષી ગઢમાં ગાબડું પાડીને સત્તા કબજે કરી લીધી છે. વડગામ તાલુકા પંચાયતમાં કુલ 28 બેઠક પૈકી કોંગ્રેસ પાસે 14 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી જેવી સ્થિતિ હતી, જ્યારે ભાજપ પાસે 13 અને 1 બેઠક અપક્ષના ફાળે હતી. જોકે, પ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે પંચાયત હોલમાં ભારે બબાલ, હોબાળો અને ધક્કામુક્કીના દશ્યો સર્જાયા હતા, જેના ઘેરા પ્રત્યાઘાતો હોલની બહાર પણ પડ્યા હતા અને બંને પક્ષના સમર્થકો આમને-સામને આવી ગયા હતા. આ તંગદિલી વચ્ચે આખરી ઘડીએ કોંગ્રેસના 14માંથી 1 સભ્ય ગેરહાજર રહેતાં કોંગ્રેસનું ગણિત બગડ્યું હતું અને અપક્ષ સભ્યે ભાજપને ખુલ્લું સમર્થન જાહેર કરી દેતાં સત્તાનું પલ્લું ભાજપ તરફ નમી ગયું હતું. આ રાજકીય વ્યુહરચનાના પરિણામે વડગામમાં અનુબેન ઉપલાણા પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને ભાજપે કોંગ્રેસના હાથમાંથી જીતેલી બાજી આંચકી લીધી છે. દાંતામાં કોંગ્રેસના એક મહિલા સભ્ય ગેરહાજર રહેતાં પંચાયત ગુમાવવાનો વારો આવ્યો બીજી તરફ, દાંતા તાલુકા પંચાયતમાં પણ ભાજપે વર્ષો જૂના કોંગ્રેસના શાસનનો અંત આણીને ભગવો લહેરાવ્યો છે. દાંતામાં કોંગ્રેસના એક મહિલા સભ્ય ગેરહાજર રહેતાં પંચાયત ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યાં ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી અને ડીવાયએસપી સહિત પોલીસના મોટા કાફલાની કડક સુરક્ષા અને બોડી વોર્ન કેમેરાની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. આ ચૂંટણીમાં સૌથી રસપ્રદ અને ચોંકાવનારો વળાંક એ રહ્યો કે વર્ષ 2018માં કોંગ્રેસના પક્ષમાંથી પ્રમુખ બનેલા પિન્કીબેન ચૌધરી આ વખતે ભાજપના પક્ષમાંથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસમાં આંતરિક ભંગાણ અને એક મત ઓછો પડવાને કારણે ભાજપને કુલ 10 મત મળ્યા હતા અને સત્તા પર કબ્જો થયો હતો. આ બંને તાલુકાઓમાં ભાજપે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી વિપક્ષી છાવણીમાં ગાબડાં પાડીને જીત મેળવતા જ ભાજપના સમર્થકોએ ફટાકડા ફોડી અને વિજય ઉત્સવ મનાવી રાજકીય પ્રભુત્વ સાબિત કર્યું છે. વડગામ પ્રમુખપદ માટેની ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે બબાલ આ વિવાદ હોલની બહાર પણ પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષના સમર્થકો આમને-સામને આવી જતાં વાતાવરણ તંગ બન્યું હતું. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે પોલીસ માટે પણ મામલો થાળે પાડવો અને કંટ્રોલ કરવો મુશ્કેલ બની ગયો હતો. અહીં કોંગ્રેસના 14માંથી 13 ઉમેદવાર હાજર રહ્યા હતા, જ્યારે ભાજપના 13 અને 1 અપક્ષ ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ​જૂનાગઢ તા.પંચાયતની પ્રમુખ પદની ચૂંટણી પૂર્વે AAPના સભ્યની ધરપકડ બીજી તરફ, સૌરાષ્ટ્રના જૂનાગઢ તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં જ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી (આપ) બંને પાસે 9-9 બેઠક હોવાથી ટાઈની સ્થિતિ વચ્ચે આજની ચૂંટણી ખૂબ જ નિર્ણાયક હતી. આ દરમિયાન બગડુ બેઠકના 'આપ'ના સભ્ય અને પ્રમુખ પદના ઉમેદવારના ટેકેદાર સંજય પાઘડારની સાત લાખ રૂપિયાની છેતરપિંડી અને મારપીટના ગુનામાં ધરપકડ થતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ધરપકડને ભાજપ પ્રેરિત કિન્નાખોરી-લોકશાહીની હત્યા ગણાવી આમ આદમી પાર્ટીએ આ ધરપકડને ભાજપ પ્રેરિત કિન્નાખોરી અને લોકશાહીની હત્યા ગણાવી આક્ષેપ કર્યો છે કે, ચૂંટણીમાં મતદાન કરતાં રોકવા માટે જ પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને આ આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી છે, જ્યારે પોલીસે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે જ આ કાર્યવાહી થઈ હોવાનું જણાવ્યું છે. આજે 17 જિલ્લાના 127 તાલુકા પંચાયતના પ્રમુખની જાહેરાત થશે આજના બીજા તબક્કામાં રાજ્યના ચારેય ઝોનના બાકી રહેલા 17 જિલ્લા પર સૌની નજર મંડાયેલી છે. આ તમામ તાલુકામથકો પર વહીવટી તંત્ર દ્વારા વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને નામો જાહેર થતાંની સાથે જ વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી તેમજ હારતોરા કરી જીતની ઉજવણી કરવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. આજે નીચેની તાલુકા પંચાયતોના પ્રમુખોની જાહેરાત થશે સૌરાષ્ટ્ર ઝોન * દ્વારકા * અમરેલી * બોટાદ * જુનાગઢ * મોરબી * પોરબંદર મધ્ય ઝોન * અમદાવાદ * દાહોદ * ભરૂચ * પંચમહાલ * વડોદરા દક્ષિણ ઝોન * ડાંગ ઉત્તર ઝોન * અરવલ્લી * બનાસકાંઠા * મહેસાણા * વાવ-થરાદ * સાબરકાંઠા હવે જુઓ બે દિવસ પહેલાં જાહેર થયેલા તાલુકા પંચાયતના પ્રમુખોનું ફોટો સાથેનું લિસ્ટ
Read Original Article →