વાઘ-ચિત્તાને લાવવાની વાતો વચ્ચે ગીરમાં 8 સિંહના મોત:5 સિંહબાળ અને 3 સાવજ CDV-બેબેસિયા બીમારીથી તડપીને મર્યા, 2018માં 29 સિંહનાં મોત થયા હતા
ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલ પર ફરી એકવાર મોટું સંકટ આવી પડ્યું છે. સૌરાષ્ટ્રના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વનવિભાગમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાના કારણે ટૂંકા ગાળામાં 8થી વધુ સિંહો અને સિંહબાળના મોત નીપજ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે વનવિભાગ તાત્કાલિક હાઈએલર્ટ પર આવી ગયો છે અને વન્યજીવોને બચાવવા માટે સઘન બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જુદી-જુદી રેન્જમાં સિંહોના મોતથી ફફડાટ
મળતી માહિતી મુજબ, ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ગીર ગઢડા સરહદ પર એક જ દિવસમાં 2 સિંહોના ભેદી રોગથી મોત થયા હતા. આ ઉપરાંત, ગીર પશ્ચિમ હેઠળ આવતી બાબરીયા અને જામવાળા રેન્જમાં પણ 2થી વધુ સિંહોના મોત નોંધાયા છે. સિંહબાળો સૌથી વધુ ભોગ બન્યા
આ રોગચાળાની સૌથી ઘાતક અસર સિંહબાળ (તરૂણ સિંહો) પર જોવા મળી રહી છે. વનવિભાગના જણાવ્યા અનુસાર: લીલીયા રેન્જ: 1 સિંહબાળનું મોત સાવરકુંડલા રેન્જ: 1 સિંહબાળનું મોત સરસિયા રેન્જ: 1 સિંહબાળનું મોત વનવિભાગ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
રોગચાળો આગળ વધતો અટકાવવા માટે વનતંત્ર દ્વારા તાત્કાલિક એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે: રેસ્ક્યુ અને ઓબ્ઝર્વેશન: ધારી સરસિયા રેન્જમાંથી 8 સિંહોના આખા જૂથને રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું છે. તબીબી તપાસ: જંગલ વિસ્તારમાંથી સૌપ્રથમ અશક્ત અને નબળા દેખાતા સિંહોને શોધીને તેમની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. સેમ્પલિંગ પ્રક્રિયા: જુદા-જુદા વિસ્તારોમાં સિંહોના જૂથોને તેમના લક્ષણોના આધારે અલગ પાડી, લોહી તેમજ અન્ય સેમ્પલ લેવાની કવાયત હાથ ધરાઈ છે. રાત્રિ ઓપરેશન: એનિમલ ડોક્ટરોની વિશેષ ટીમો દ્વારા સિંહોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર જણાય તેવા સિંહોને રાત્રિ દરમિયાન પાંજરે પૂરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ બેબેસિયા રોગ શું છે?
બેબેસિયા એ એક અત્યંત ગંભીર અને જીવલેણ રોગ છે, જે મનુષ્યોની સાથે-સાથે પશુઓ અને વન્યજીવોમાં પણ જોવા મળે છે. તે 'બેબેસિયા' નામના પરોપજીવી (પ્રોટોઝોઆ) દ્વારા ફેલાય છે. મેલેરિયાની જેમ જ આ પરોપજીવીઓ શરીરમાં દાખલ થઈને લોહીના લાલ રક્તકણો (RBCs) પર સીધો હુમલો કરીને તેમનો નાશ કરે છે. લાલ રક્તકણો તૂટવાને કારણે સિંહોના શરીરમાં લોહીની તીવ્ર ઉણપ એટલે કે એનિમિયા સર્જાય છે, જે આખરે મોતમાં પરિણમે છે. CDV અત્યંત ચેપી અને જીવલેણ વાયરસ
કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) એ એક અત્યંત ચેપી અને જીવલેણ વાયરસ છે. સામાન્ય રીતે આ વાયરસ કૂતરાઓમાં જોવા મળે છે, પરંતુ તે સિંહ, વાઘ અને ચિત્તા જેવા વન્યજીવો માટે પણ એટલો જ ખતરનાક અને જીવલેણ સાબિત થઈ શકે છે. ગીરના સિંહોમાં પણ ભૂતકાળમાંઆ વાયરસના કારણે ઘણા સિંહોના મોત થયા હતા, જેના લીધે આ વિષય ખૂબ ચર્ચામાં આવ્યો હતો. ભૂતકાળની ઘટનાઓથી વનવિભાગ સતર્ક
અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં પણ દલખાણીયા રેન્જમાં સીડીવી (CDV) નામના વાયરસના કારણે 23 કરતા વધુ સાવજોના ટપોટપ મોત થયા હતા, જેના કારણે તત્કાલીન વનમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. તે જ રીતે ગયા વર્ષે સિંહ વસ્તી ગણતરી બાદ પણ શેત્રુંજી ડિવિઝનના રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં બીમારીના કારણે 15 જેટલા સિંહોના મોત નીપજ્યા હતા. ભૂતકાળની આ કડવા અનુભવોમાંથી બોધપાઠ લઈને વનવિભાગ આ વખતે વધુ સતર્કતાથી કામ કરી રહ્યું છે. વનવિભાગ અને નિષ્ણાતોનું શું કહેવું છે?
ગાંધીનગર વનવિભાગના પીસીસીએફ (PCCF) જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આ ઋતુમાં સામાન્ય રીતે સિંહબાળમાં મૃત્યુનું પ્રમાણ જોવા મળતું હોય છે. જોકે, સિંહોને બેબેસિયા અને અન્ય રોગોથી બચાવવા માટે અમારું સતત મોનિટરિંગ અને ટ્રેકિંગ ચાલી રહ્યું છે. બીજી તરફ, પૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલ લહેરીએ આ ઘટના અંગે ઊંડો આઘાત વ્યક્ત કરતા જણાવ્યું કે, જ્યારે પણ આવા સમાચાર મળે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. દર વર્ષે આવી પરિસ્થિતિ કેમ સર્જાય છે? સિંહો એ ગુજરાતનું ઘરેણું અને દેશની શાન છે. વનવિભાગ અને સરકારે આ દિશામાં નક્કર પગલાં ભરીને વાયરસ અને આવી બીમારીઓનો કોઈ કાયમી ઉકેલ લાવવો જોઈએ જેથી દર વર્ષે થતા સિંહોના અકાળ મોત અટકાવી શકાય. મધ્યપ્રદેશના કુનો બાદ હવે ગુજરાત બનશે બીજું ‘ચિત્તા સ્ટેટ’
કચ્છમાં અંતે 154 વર્ષ બાદ જયારે ગુજરાતમાં 86 વર્ષ બાદ ચિત્તાની ઘરવાપસી થશે. શરૂઆતમાં વર્ષ 2024ના અંત સુધીમાં ત્યારબાદ 2025ની ડેડલાઈન અપાઈ હતી. પરંતુ કેન્દ્ર સરકાર અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા આ સમયરેખા લંબાતી ગઈ હતી. હવે બે વર્ષ બાદ કચ્છની ધરતી પર ચિત્તા પગ મૂકશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીએ કચ્છના બન્ની ઘાસિયા મેદાનોમાં ચાર આફ્રિકન ચિત્તાઓને વસાવવાની મંજૂરી આપી દીધી છે. તાજેતરમાં NTCA ટીમ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ બે દિવસીય મુલાકાત પણ કરી ગઈ છે, ત્યારબાદ આગામી જુલાઈ અથવા ઓગસ્ટ મહિના સુધીમાં બે નર અને બે માદા ચિત્તાની જોડી કેન્યાથી સીધી બન્નીના ઘાસીયા મેદાનમાં લાવવામાં આવશે. ભારતમાંથી 1952માં ચિત્તા લુપ્ત થયા બાદ મધ્યપ્રદેશના કુનો બાદ ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં આ ફાસ્ટેસ્ટ લેન્ડ એનિમલનું પુનઃવસન કરવામાં આવશે. તો ચિત્તાને કેન્યાથી કાર્ગો પ્લેનમાં ભુજ અને બન્ની બાય રોડ લઇ જવામાં આવશે
કેન્યાના વન્યજીવન નિષ્ણાતો અને ભારતીય અધિકારીઓ વચ્ચે થયેલી સમજૂતી મુજબ આ ચિત્તાઓને ખાસ કાર્ગો વિમાન દ્વારા પહેલા ભુજ લાવવામાં આવશે અને ત્યાંથી તેમને રોડ માર્ગે બન્ની વિસ્તારમાં લઈ જવામાં આવશે. કચ્છનો બન્ની વિસ્તાર તેના વિશાળ ઘાસિયા મેદાનો માટે જાણીતો છે, જે ભૌગોલિક દ્રષ્ટિએ કેન્યાના સવાના જંગલો સાથે ઘણી સમાનતા ધરાવે છે. ચિત્તાઓને ખુલ્લા મેદાનમાં ઝડપથી દોડવા અને શિકાર કરવા માટે આવી જ જમીનની જરૂર હોય છે, તેથી જ નિષ્ણાતોએ આ વિસ્તારને સર્વોત્તમ પસંદગી ગણાવી છે. દિલ્હી સ્થિત ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, બીજી શક્યતા એવી છે કે કુનોમાંથી જ કચ્છને ચિત્તા આપવામાં આવે. 20 કરોડનો પ્રોજેક્ટ : 5 હજાર હેક્ટરમાં ઘાસનું વાવેતર થશે, 6300 હેક્ટરમાં ગાંડો બાવળ દૂર
પ્રોજેક્ટના બીજા તબક્કામાં એક વર્ષની અંદર વધુ ચિત્તા લાવવાનું આયોજન છે, જેથી બન્નીમાં ચિત્તાઓની કુલ સંખ્યા 12 સુધી પહોંચી શકે. ચિત્તાઓના પુનર્વસન માટે ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર પ્રોજેક્ટ માટે 20 કરોડ ફાળવવામાં આવ્યા છે. બન્ની ઘાસના મેદાનોમાં, ચિત્તાઓના નિવાસસ્થાનને સુધારવા માટે આવતા વર્ષે 5 હજાર હેક્ટરમાં ઘાસ વાવવામાં આવશે.આ પ્રોજેક્ટ હેઠળ, રાજ્ય સરકાર આક્રમક વનસ્પતિ પ્રજાતિ ગાંડા બાવળના ફેલાવાથી પ્રભાવિત ઘાસના મેદાનોના ઇકોલોજીકલ પુનઃસ્થાપન પર કામ કરી રહી છે, જે લગભગ 6300 હેક્ટર જમીનમાંથી દૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બન્નીમાં ચિત્તા લાવવા માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પશુ ડોક્ટરની ભરતી સાથે અહીં સિક્યુરિટી ગાર્ડ સહિતની વ્યવસ્થા કરાશે. બન્નીમાં કેવી છે તૈયારીઓ? 4 મીટરની ઊંચાઈવાળા એન્ક્લોઝરમાં ચિત્તા પર વનવિભાગનો સ્ટાફ સતત નજર રાખશે. ભગાડિયા વિસ્તારમાં આ ચિત્તા બ્રીડિંગ સેન્ટરમાં પાંજરાની અંદર ઊછરશે. ખાસ કરી ચિત્તા માટે પાણીના પોઇન્ટ, વનતળાવ, આર્ટિફિશિયલ શેડ, ચિત્તાને બેસી અને નિરીક્ષણ કરવા માટે માઉન્ટ એટલે ટેકરો સહીત સુવિધાઓ ઉભી કરાઈ છે. રાઉન્ડ ધ ક્લિક સીસીટીવી મોનીટરીંગ પણ કરવામાં આવશે. 500 હેક્ટરનું એન્ક્લોઝર, મહિના સુધી ચિત્તા ક્વોરેન્ટાઇન
ગુજરાત વનવિભાગ અંતર્ગત આવતા બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝન વન વિભાગે આ માટે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. બન્નીમાં આશરે 500 હેક્ટર જેટલા વિસ્તારમાં ખાસ સુરક્ષિત એન્ક્લોઝર તૈયાર કરાયું છે, જેની ફરતે આશરે 10 કિલોમીટર લાંબી લોખંડની જાળી વાળી વાડ બનાવાઈ છે. આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે જેથી બહારના હિંસક પ્રાણીઓ ચિત્તાના વિસ્તારમાં ઘૂસી ન શકે અને ચિત્તાઓ પણ સુરક્ષિત રીતે નવા વાતાવરણમાં અનુકૂલન સાધી શકે. શરૂઆતના એક મહિના સુધી આ ચારેય ચિત્તાઓને ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે અને ટીમ તેમના સ્વાસ્થ્ય અને વર્તન પર 24 કલાક નજર રાખશે.આ પણ વાંચો, બન્નીના મેદાનોમાં 4 આફ્રિકન ચિત્તા આવશે મોઢવાડિયાએ કેન્દ્રીય વનમંત્રી પાસે વાઘણની માગ કરી
ગુજરાતના રતનમહાલના જંગલમાં સવા વર્ષથી એક વાઘ વસવાટ કરી રહ્યો છે. આ વાઘ ગુજરાતમાં જ રહે અને વાઘની વસતી વધે તે માટે ગુજરાત સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. ગત 14મી મેએ ઈન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ પૂર્વે સાસણમાં યોજાયેલી પ્રિ ઈવેન્ટમાં રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ આગવા અંદાજમાં કેન્દ્રીય વનમંત્રી પાસે વાઘણની માગ કરી હતી. માઢવાડિયાએ કહ્યું હતું કે, અમારે દુલ્હાના રૂપમાં વાઘણ તૈયાર છે, દુલ્હનનો ઈંતજાર છે. આ પહેલા પણ ગુજરાતના વનવિભાગ દ્વારા નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ( NTCA)ને જાણ કરી એક વાઘણની માગ કરવામાં આવી છે. ત્યારે NTCA પણ આ વિસ્તારમાં વાઘ-વાઘણનું નેચરલ એલાયન્સ શક્ય બને તે માટે પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં વસતા વાઘ માટે વાઘણ લાવવાની તૈયારી
ગુજરાતના વનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દુલ્હારૂપે વાઘ તૈયાર છે. અમારે વાઘણનો ઈંતજાર છે. માઢવાડિયા દ્વારા વધુમાં જણાવ્યું કે, મધ્યપ્રદેશ અને રતનમમહાલના જંગલ નજીક હોય રતનમહાલમાં રહેતા વાઘ સાથે કોઈ વાઘણનું નેચરલ એલાયન્સ થાય તે માટે પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે. રતનમહાલમાં વાઘનું રહેઠાણ થાય તે માટે વાઈલ્ડલાઈફના નિષ્ણાંતો દ્વારા અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આવેલો વાઘ અહીં કાયમી વસે તે માટેના પ્રયાસો
ગુજરાતના રતનમહાલ અભ્યારણ્યમાં છેલ્લા 14 મહિનાથી એક વાઘે વસવાટ કર્યો છે. ગુજરાત વનવિભાગની ટીમ સતત તેનું મોનિટરીંગ કરી રહી છે અને ખોરાક માટેની જરુરી વ્યવસ્થા પણ કરી રહી છે. આગામી દિવસોમાં વાઘ અહીં કાયમી વસવાટ કરે તે માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. આ બાબતે ગુજરાત વનવિભાગ દ્વારા નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ( NTCA)ને પણ જાણ કરવામાં આવી છે. NTCA હવે રતનમહાલમાં વાઘની વસતી વધારવા માટે એક વાઘણ મોકલવાની શક્યતાઓ પર કામ કરી રહી છે. આ પણ વાંચો, મોઢવાડિયાએ કેન્દ્રીય વનમંત્રી પાસે વાઘણ માગી
Read Original Article →