ભાસ્કર વિશ્લેષણ‎:પૂર્વ ધારાસભ્યએ ધારી નગરપાલિકાના સભ્યપદ માટે‎ફોર્મ ભર્યું , અમરેલીમાં દેરાણી-જેઠાણી આમને સામને‎

Gujarat4/12/2026, 12:00:00 AM
ભાસ્કર વિશ્લેષણ‎:પૂર્વ ધારાસભ્યએ ધારી નગરપાલિકાના સભ્યપદ માટે‎ફોર્મ ભર્યું , અમરેલીમાં દેરાણી-જેઠાણી આમને સામને‎
ધારી નગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આજે ભાજપના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાએ સભ્ય પદ માટે ફોર્મ ભરી ભારે આશ્ચર્ય જગાડ્યું હતું. બીજી તરફ ટીકીટને લઈને ભાજપ અને કોંગ્રેસમાં અસંતોષ પણ જોવા મળ્યો હતો. એનએસયુઆઈ પ્રમુખે તો ભાજપનો ખેસ પહેરી લેતા ટીકીટ પણ મળી ગઈ હતી. જ્યારે અમરેલી પાલિકામાં દેરાણી- જેઠાણી આમને સામને લડશે. ધારી બગસરા વિસ્તારના મનસુખભાઈ ભુવાએ આજે વોર્ડ નંબર 3માંથી ઉમેદવારી બનાવી હતી. એક સમયના ધારાસભ્ય હાલમાં પાલિકાની ચૂંટણી લડી રહ્યા હોય આ મુદ્દે રાજકીય વર્તુળમાં ચર્ચા પણ જાગી હતી. મનસુખભાઈ ભુવા તમામ 28 ઉમેદવારોને સાથે લઈ આજે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. બીજી તરફ અમરેલી જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ શાહિલ શેખે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને આજે જ સ્થાનિક ધારાસભ્યના હાથે ભાજપનો ખેસ પહેરી લીધો હતો. એટલું જ નહી ભારતીય જનતા પાર્ટીએ તેમને પાલિકામાં વોર્ડ નંબર 9ના ઉમેદવાર તરીકે ટીકીટ પણ ફાળવી દીધી હતી. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ આજે માયાભાઈ આહિરની પુત્રીને જિલ્લા પંચાયતની ટીકીટ ફાળવી હતી. સોનલબેન મોનિલભાઈ ડેરે જિલ્લા પંચાયતની ચાવંડ બેઠક પરથી ઉમેદવારી કરી હતી. તે સમયે સાંસદ અને સ્થાનિક ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો જોવા મળ્યો હતો. મોટાભાગના ઉમેદવારોએ અંતિમ દિવસે જ ફોર્મ ભર્યા હતા. જેને પગલે જેતે કચેરીઓમાં સૌ પ્રથમ ઉમેદવારોના ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યા હતા અને બાદમાં તે અંગે મોડી રાત સુધી કામગીરી ચાલી હતી. અમરેલી વોર્ડ નં.9માં જેઠાણી ભાજપમાંથી, દેરાણી કોંગ્રેસમાંથી લડશે બીજી તરફ અમરેલી નગરપાલિકામાં સભ્ય પદ માટે દેરાણી- જેઠાણી વચ્ચે રોમાચક ચૂંટણી જંગ જામ્યો છે. આજે પાલિકાના ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન જેઠાણી રેણુકાબેન સોલંકીએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. જ્યારે દેરાણી કાજલબેન સોલંકીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. અહીં હવે દેરાણી- જેઠાણી વચ્ચે ચૂંટણી પ્રસારનો જંગ જામશે. અમરેલી પાલિકામાં વોર્ડ નં.11માં દીયર અને ભાભી વચ્ચે પણ જંગ અમરેલી નગરપાલિકામાં વોર્ડ નંબર 11માં દીયર અને ભાભી વચ્ચે પણ ચૂંટણી જંગ જામશે. આ વોર્ડમાં દીયર ભાવેશ ચાવડાએ આમ આદમી પાર્ટી વતી ઉમેદવારી કરી છે. જ્યારે ભાભી સંગીતાબેન ચાવડાએ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે. એકબાજુ જેઠાણી અને દેરાણી વોર્ડ નં. 9માં અને બીજી બાજુ દિયર અને ભાભી વચ્ચે વોર્ડ . 11 માં જંગ જામશે. દાનમહારાજની જગ્યાના લઘુ મહંતની ઉમેદવારી ચલાલાની દાનમહારાજની જગ્યાના લઘુમહંત મહાવીર બાપુએ આજે ધારગણી સીટ પરથી ભાજપમાંથી દાવેદારી કરી હતી. જિલ્લા પંચાયતની સીટ માટે ફોર્મ ભરતા પહેલા તેમણે દાનમહારાજની જગ્યામાં દર્શન કર્યા હતા. ભાજપના બે નેતાએ કોંગીમાંથી ઉમેદવારી કરી સાવરકુંડલામાં વર્ષોથી સદસ્ય તરીકે ચૂટાતા ધર્મેન્દ્રભાઈ મહેતા અને અનિરૂદ્ધસિંહ વાજાને આ ચૂંટણીમાં ભાજપે ટીકીટ ફાળવી ન હતી. જેને પગલે બંને આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. બંનેએ સાવરકુંડલા પાલિકા માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા હતા. વઢેરા તાલુકા પંચાયતની બેઠક ભાજપને બિનહરીફ મળશે જાફરાબાદ તાલુકા પંચાયતની વઢેરા બેઠક પરથી એક માત્ર ભાજપના ઉમેદવારે જ ફોર્મ ભર્યું છે. અહીં કોંગ્રેસ કે આપના કોઈ ઉમેદવારે કોઈ ફોર્મ ભર્યું ન હોય ફોર્મ ચકાસણીના અંતે ભાજપ ઉમેદવારનું ફોર્મ માન્ય રહ્યા બાદ બેઠક બિનહરીફ જાહેર થશે.
Read Original Article →