15માં નાણાપંચની ગ્રાન્ટમાં ગેરરીતિ:બાબરાના લુણકી-હાથીગઢ ગામના પૂર્વ મંત્રીની રૂ.24.97 લાખની ઉચાપત
બાબરા તાલુકાની લુણકી અને હાથીગઢ ગ્રામ પંચાયતમાં 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાની સરકારી રકમની તલાટી મંત્રીએ ઉચાપત કરી હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે પૂર્વ તલાટી કમ મંત્રી સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુન્હો નોંધાતા પંથકમાં ચકચાર મચી છે. ખોડીયાર રાજપરા ગામે રહેતા અને સરકારી નોકરીમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અભિષેકભાઇ ખાટાભાઇ ડાંગરે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપી સુભાષ રણછોડભાઇ પટેલ, જે તા.25 જૂન 2018 થી તા.20 ઓગસ્ટ 2023 દરમિયાન લુણકી અને હાથીગઢ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા, તેમણે પોતાની ફરજ દરમિયાન સરકારી નાણાંની ઉચાપત કરી હતી. તેમણે લુણકી ગ્રામ પંચાયતના ખાતામાંથી રૂ.19,48,354 તથા હાથીગઢ ગ્રામ પંચાયતના ખાતામાંથી રૂ.5,49,412 મળી કુલ રૂ.24,97,766ની રકમ ગેરકાયદેસર રીતે ઉપાડી પોતાના અંગત ઉપયોગમાં લેવામાં આવી હોવાનું જણાવાયું છે. આ કેસમાં બેંકના બે ખાતાધારકો ગોવિંદભાઇ વી. પટેલ તથા ગીતાબેન પટેલના ખાતામાં આ રકમ જમા કરાઈ હોવાનું જણાવાયું છે. અને બંનેએ આ રકમ ઉપાડી શખ્સને મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ સુભાષ દ્વારા 15મા નાણાપંચ સંબંધિત જરૂરી રજીસ્ટર અને ફાઇલો પણ સાથે લઈ જવામાં આવ્યા હતા, જેના કારણે હિસાબી દસ્તાવેજોની તપાસમાં મુશ્કેલી ઉભી થઈ હોવાનું કહેવાય છે. આ અંગે બાબરા તાલુકા પોલીસે સુભાષ રણછોડભાઈ પટેલ, ખાતા ધારક ગોવિંદભાઇ વિ. પટેલ અને ગીતાબેન પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
Read Original Article →