વિશેષ ચકાસણી અભિયાન:ધારી આસપાસ હોટલ- રેસ્ટોરન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ચકાસણી
પ્રવાસન સ્થળ તરીકે જાણીતા ધારી શહેર અને આસપાસના વિસ્તારોમાં પ્રવાસીઓ તથા સ્થાનિક લોકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટોમાં ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોના પાલનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમે પટેલ ડાઈનિંગ હોટલ, શ્રદ્ધા હોટલ, બ્રહ્મ ભોજનાલય, એસ.એસ. ફેન્સી ઢોસા અને અમીરસ રેસ્ટોરન્ટ સહિત પાંચ ખાણીપીણી એકમોની મુલાકાત લીધી હતી. અહીં તૈયાર ખાદ્ય પદાર્થો તેમજ કાચા માલની ગુણવત્તા, સ્વચ્છતા અને સંગ્રહ વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ સંચાલકોને ખાદ્ય સુરક્ષા ધોરણોનું કડક પાલન કરવા સૂચના આપી હતી. અભિયાન અંતર્ગત તૈયાર શાકભાજી, સંભાર, ચટણી અને પનીર સહિત કુલ 16 ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કરી રાજ્યની માન્ય લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પરીક્ષણના અહેવાલના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમરેલી વર્તુળે જણાવ્યું હતું કે હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને સ્વચ્છતા જાળવવા, ગુણવત્તાયુક્ત કાચા માલનો ઉપયોગ કરવા તેમજ ખાદ્ય પદાર્થોના સંગ્રહ અને વિતરણ દરમિયાન જરૂરી સાવચેતી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
Read Original Article →