ભારે રોષ:અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાં ખેડૂતોની ડીઝલ માટે કતારો, રાજુલામાં ખેડૂતોએ કુંડલા માર્ગ ચક્કાજામ કર્યો

Gujarat5/22/2026, 12:00:00 AM
ભારે રોષ:અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાં ખેડૂતોની ડીઝલ માટે કતારો, રાજુલામાં ખેડૂતોએ કુંડલા માર્ગ ચક્કાજામ કર્યો
અમરેલી જિલ્લામાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અમરેલીમાં બપોરના સમયે એક પેટ્રોલ પંપ ડીઝલ આવતા જ 41.7 ડિગ્રી તાપમાનમાં ખેડૂતોએ કેન સાથે લાઈનો લગાવી હતી. આ ઉપરાંત રાજુલા-સાવરકુંડલા રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ પર વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો ડીઝલ પુરાવવા માટે લાગી હતી. કાળઝાળ ગરમી અને તાપમાન વધતા ખેડૂતો વિફરી આક્રોશિત બન્યા હતા અને આખરે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો હતો. અત્યારે ખેડૂતોને ખેતીકામ માટે જરૂરી ડીઝલ મેળવવા ખેડૂતોને એક કિલોમીટર સુધીની લાંબી લાઈનમા 40 ડિગ્રીને પાર તાપમાનમાં ઉભા રહેવું પડે છે. છતાં પણ પૂરતું ડીઝલ મળતું નથી. જેના કારણે ખેતીવાડીના કામો પર સીધી અસર પડી રહી છે. હવે ખેડૂતોમાં રોષ ફાટી નિકળ્યો છે. અમરેલી જિલ્લાભરમાં ડીઝલ ન મળતા ખેડૂતો ચિંતાતુર છે. ખેતી કામમાં વિક્ષેપ પહોંચી રહ્યો છે. આજે રાજુલામાં ખેડૂતોએ સાવરકુંડલા હાઇવે ચક્કાજામ કરી રોષ વ્યકત કર્યો હતો. રાજુલા-સાવરકુંડલા હાઇવે પર મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી ગયા હતા અને ટ્રેક્ટરો આડા રાખી ચક્કાજામ કર્યો હતો. જેના કારણે હાઇવે પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. થોડીવાર માટે વાહનો બંધ કરી અટકાવી દીધા હતા. જેના કારણે અન્ય વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ખેડૂતોએ સરકાર અને તંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ખાનગી કંપની , ટ્રાન્સપોર્ટરને ડીઝલ મળે પણ ખેડૂતોને નહી‎ અમને અહીંયા પૂરતું ડીઝલ મળતું નથી. અમારે દરરોજ લાઈનમાં ઉભું રહેવું પડે છે. હવે જૂન મહિનો આવી ગયો સતાવર રીતે 15 જૂનએ ચોમાસુ બેસી જાય છે. તો હજી સંપૂર્ણ અમારી ખેતી બાકી છે. ખેતરમાં રોટાવેટર ચલાવવું પણ અમને પૂરતું ડીઝલ મળતું નથી. ખાનગી કંપની ટ્રાન્સપોર્ટર સહિતને ડીઝલ મળે ખેડૂતોને કેમ નહિ ? > વાલજીભાઈ મોર, રાજુલાના ખેડૂત ખેડૂતે કહ્યું, અમારે ખેતી કરવી કે લાઈનમાં રહેવું ખાતર લેવા જઈએ તો લાઇન, નોટબંધી હતી તો લાઈનમાં, ડીઝલ લેવું તો લાઇનમાં હવે અમારે કરવાનું શુ ખેતી કરવી કે લાઇનમાં રહેવું. સવારે 4 વાગ્યાના લાઈનમાં છીએ બે બે હજારનું ડીઝલ આપે 24માં ખેતી કરવાની અને 12 કલાક ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવાનું સરકાર આનો નિવેડો લાવવા માંગણી કરી હતી.> મનુભાઈ નકુમ, ખેડૂત 24 કલાકે મળતુ ડીઝલ ત્રણથી ચાર દિવસે મળે છે જિલ્લામાં પેટ્રોલ પંપ સંચાલકો કશુ બોલવા તૈયાર નથી. અગાઉ જિલ્લામાં પેટ્રોલ પંપ સંચાલકોને 24 કલાકે ડીઝલનું ટેન્કર મળતું હતું. પરંતુ અત્યારે ત્રણથી ચાર દિવસે ટેન્કર મળી રહ્યું છે.
Read Original Article →