ચોરીની ઘટનાઓ વધતા ખેડૂતોમાં ભય:માયાપાદર અને અમરેલીના કાંઠમા ગામે 5 વાડીમાંથી 280 ફૂટ કેબલ વાયરની ચોરી
અમરેલી અને વડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેબલ ચોરીની ઘટનાઓ વધતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. વાડી વિસ્તારમાં સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા કેબલ વાયર અજાણ્યા શખ્સો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અગાઉ પણ આવી ચોરીના બનાવો નોંધાઈ ચૂક્યા હોવા છતાં ચોરટોળકી બેફામ બનતી જઈ રહી છે. વડિયા તાલુકાના માયાપાદર ગામે ત્રણ અલગ અલગ વાડીએથી કેબલ વાયર ચોરી થયાની ઘટના સામે આવી છે. માયાપાદર ગામે ખેતી કામ કરતા જયંતીભાઈ વલ્લભભાઈ ઠુંમર (ઉ.વ.50) ની વાડીએથી 60 ફૂટ કેબલ તેમજ બાજુની વાડીમાંથી 40 ફૂટ મળી કુલ 100 ફૂટ વાયર અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. ચોરાયેલા વાયરની કિંમત અંદાજે રૂપિયા 4 હજાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત રમેશભાઈ વલ્લભભાઈ સાવલિયા (ઉ.વ.50) ની વાડીએથી પણ રૂપિયા 2,400 કિંમતનો 60 ફૂટ કેબલ વાયર ઉઠાવી જવામાં આવ્યો હતો. બીજી તરફ અમરેલી તાલુકાના કાંઠમાં ગામે પણ બે વાડીએ ચોરીની ઘટના સામે આવી છે. ગામના યોગેશભાઈ હિંમતભાઈ ચાવડા (ઉ.વ.28) એ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની તથા બાજુની વાડીએથી કુલ રૂપિયા 9,600 કિંમતનો 120 ફૂટ કેબલ વાયર અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા છે. આ બનાવોને પગલે વડિયા અને અમરેલી તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →