ખેડૂતો પરેશાન:સતત ત્રીજા દિવસે ડીઝલની મોકાણ: પંપો પર લાંબી કતારો

Gujarat5/21/2026, 12:00:00 AM
ખેડૂતો પરેશાન:સતત ત્રીજા દિવસે ડીઝલની મોકાણ: પંપો પર લાંબી કતારો
અમરેલી જિલ્લાભરમાં ત્રીજા દિવસે પણ ડીઝલની મોકાણ યથાવત રહી હતી. ખેડૂતો ડીઝલ લેવા માટે કતારો લગાવી હતી. ખેતીની સીઝન ટાણે જ ડીઝલ ન મળતા ખેડૂતો પરેશાન છે. અમરેલી જિલ્લાભરમાં ડીઝલ માટે ખેડૂતોને આમથી તેમ ભટકવું પડે છે. છતાં ડીઝલ મળતું નથી. બાબરા પંથકમાં પણ ડીઝલની અછત યથાવત રહેતા ખેડૂતો, વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. બાબરા શહેર સહિત જિલ્લાભરમાં વિવિધ પેટ્રોલપંપો પર વહેલી સવારથી જ લાંબી લાઇનો જોવા મળી રહી છે. ડીઝલ મેળવવા માટે ખેડૂતો પોતાના ટ્રેક્ટર તેમજ કેન અને બેરલ લઈને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. માત્ર ખેડૂતો જ નહીં પરંતુ કાર, ટ્રક, રીક્ષા અને અન્ય વાહન ચાલકોની પણ ભારે ભીડ જોવા મળી રહી છે. પેટ્રોલપંપ સંચાલકોએ જણાવ્યું હતું કે ડીઝલનો જથ્થો મર્યાદિત માત્રામાં મળી રહ્યો હોવાથી નિયંત્રિત વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે 5થી 10 લીટર જેટલું ડીઝલ મેળવવા માટે પણ લોકોને ભારે દોડધામ કરવી પડી રહી છે. દરરોજ ડીઝલની અનિશ્ચિત આવક વચ્ચે લોકોમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે. ખાસ કરીને ચોમાસાની સીઝન પૂર્વે ખેડૂતોએ ખેતીના કામો માટે ટ્રેક્ટર, પંપસેટ અને અન્ય સાધનો તૈયાર રાખવાના હોય છે. ત્યારે ડીઝલની અછત તેમની મુશ્કેલીઓમાં વધારો કરી રહી છે. ખેતીની સીઝન માથે છે ત્યારે જ ડીઝલ માટે ભટકવું પડે છે. આવી સ્થિતિમાં ખેતીનું આયોજન કેવી રીતે કરવું તેવો સવાલ ખેડૂતો ઉઠાવી રહ્યા છે. ડીઝલ ન મળતા ખેડૂતો કામ ઠપ થયા અત્યારે અમરેલી જિલ્લામાં ઉનાળુ સીઝન પૂર્ણ થવાને આરે છે. હવે ખેડૂતોએ ચોમાસું સીઝનની તૈયારીઓ આરંભ કરી દીધી છે. પરંતુ ડીઝલના અભાવે ખેતરમાં ખેડ સહિતના કામો ઠપ્પ થયા છે.
Read Original Article →