ધારી શહેરમાં હૃદયદ્રાવક ઘટના:મોર્નિંગ વોકમાં નીકળેલા નિવૃત મામલતદારને વાહને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત, અજાણ્યા વાહનચાલક સામે ગુનો; સમગ્ર ઘટના CCTVમાં કેદ

Gujarat5/20/2026, 8:54:31 AM
ધારી શહેરમાં હૃદયદ્રાવક ઘટના:મોર્નિંગ વોકમાં નીકળેલા નિવૃત મામલતદારને વાહને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત, અજાણ્યા વાહનચાલક સામે ગુનો; સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમરેલી જિલ્લાના ધારી શહેરમાંથી એક અત્યંત દુઃખદ અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ધારીના અમરેલી રોડ પર વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા નિવૃત મામલતદારનું એક બેફામ સ્પીડે આવતા વાહનની અડફેટે આવતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ સમગ્ર અકસ્માતની લાઈવ ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથક સહિત સરકારી તંત્રમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. મોર્નિંગ વોક દરમિયાન કાળ ભેટી ગયો મળતી માહિતી મુજબ, ધારીના અમરેલી રોડ પર આવેલા સરદાર નગર શિવાલય કોમ્પ્લેક્ષ પાસેથી નિવૃત મામલતદાર મોહનભાઇ કરશનભાઈ કોરાટ રોજની જેમ સવારે ચાલવા માટે નીકળ્યા હતા. તેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે જ પાછળથી પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે નિવૃત મામલતદાર વાહનની નીચે કચડાઈ ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ મૃતકના શવને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધારી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ: સીસીટીવીના આધારે તપાસ શરૂ આ હિટ એન્ડ રનની ઘટના બાદ ધારી પોલીસ એક્શનમાં આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, ચલાલા રોડ તરફથી આવી રહેલી એક સુઝુકી કંપનીની 'કેરી' (Carry) ફોર વ્હીલ ગાડીના અજાણ્યા ચાલકે પોતાનું વાહન મનુષ્યની જિંદગી જોખમાય તે રીતે ગફલતભરી રીતે ચલાવીને આ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ ચાલક ગાડી લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનમાં આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પોલીસ હાલ ઘટનાસ્થળની આસપાસ લાગેલા સ્થાનિક CCTV ફૂટેજ ખંખોરી રહી છે અને ફરાર ગાડી ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →