અલ્ટોની ત્રણ ગુલાટી, એક મોત; ભયંકર અકસ્માતના CCTV:સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર બેકાબૂ બની; બહાર નીકળવાના પ્રયાસમાં એક યુવાન કાર નીચે જ દબાયો; બેનો બચાવ
અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર યથાવત્ રહી છે. ગત તારીખ 2ના રોજ ધારી-બગસરા રોડ પર પ્રેમપરા ગામ નજીક એક કાળજું કંપાવનારી અકસ્માતની ઘટના સામે આવી હતી. પુરપાટ ઝડપે જતી અલ્ટો કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કારે ત્રણ પલટી મારી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચાલકનું ગતરોજ રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનનો આબાદ બચાવ થયો છે. CCTVમાં કેદ થયો કાળમુખો અકસ્માત અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે અકસ્માતની ભયાનકતા દર્શાવે છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક સફેદ રંગની અલ્ટો કાર સાપર તરફથી ધારી તરફ અત્યંત ઝડપથી આવી રહી છે. ચાલકે અચાનક કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં ઉતરી જાય છે. કાર હવામાં ફંગોળાઈને એક પછી એક ત્રણ ગુલાટી મારે છે. પલટી ખાતી વખતે લાલ ટી-શર્ટ પહેરેલો યુવાન બારીમાંથી બહાર ફેંકાય છે અને કારના ટાયર નીચે દબાઈ જાય છે. સારવાર દરમિયાન આશાસ્પદ યુવાને દમ તોડ્યો મૃતક યુવાનની ઓળખ જય કમલેશ સુદાણી (રહે. સાપર, તા. બગસરા) તરીકે થઈ છે. અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓ હોવાના કારણે ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું છે. જય કમલેશભાઈના અવસાનથી સાપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બે યુવાનનો ચમત્કારિક બચાવ કારમાં સવાર અન્ય બે યુવાનનો આબાદ બચાવ થયો હતો. જેમાં કાર ઉભી રહી ગયા બાદ એક યુવાન ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલીને હેમખેમ બહાર આવ્યો હતો. જ્યારે બીજો યુવાન પાછળની સીટનો દરવાજો ખોલીને સુરક્ષિત રીતે નીચે ઉતર્યો હતો. આ બંને યુવાનને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. ત્રણેય યુવાન બોર્ડની એક્ઝામ બાદ સાપર વેકેશન માટે આવ્યા હતા પ્રાથમિક અહેવાલો અને સ્થાનિક ચર્ચાઓ મુજબ, મૃતક યુવાન સુરતમાં બોર્ડની એક્ઝામ આપ્યા બાદ એક મહિનો વતન સાપર વેકેશન કરવા માટે આવ્યા હતા. તે સાપરના બે મિત્રો સાથે કાર ચલાવવાનું શીખી રહ્યો હતો તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હોવાનું મનાય છે. જોકે, આ અંગે પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી તેમજ આ અહેવાલ લખાય છે ત્યાં સુધીમાં કોઇ ફરિયાદ પણ નોંધાઇ નથી. ઓવરસ્પીડના કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન પ્રાથમિક તપાસ અને ફૂટેજ જોતા સ્પષ્ટ થાય છે કે, કારની અતિશય ઝડપ (Over-speeding) અકસ્માતનું મુખ્ય કારણ બની છે. વળાંક અથવા રસ્તા પર કારની ઝડપ વધુ હોવાથી ચાલક સ્ટીયરિંગ પર કાબૂ રાખી શક્યો ન હતો અને કાર પલટી મારી ગઈ હતી. ---- આ પણ વાંચો પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત, 4નાં મોત સુદામાપુરી પોરબંદરમાં 6 એપ્રિલે વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. એરપોર્ટ રોડ પર બે સાયકલ વચ્ચે થયેલી સીધી ટક્કરમાં ચાર આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત પહેલાંના CCTV સામે આવ્યા હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો…. અકસ્માતના આ સમાચાર પણ વાંચો કાળમુખી સ્કોર્પિયો ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ, ખેડૂતનું મોત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પંથકમાં 6 એપ્રિલે માત્ર 24 કલાકમાં ત્રણ ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત અને ચાર લોકો ઘાયલ થયા હતા. સ્કોર્પિયોની ટક્કરે ટ્રેક્ટરચાલક પોતાના જ ટ્રેક્ટરના તોતીંગ ટાયર નીચે કચડાઇ જવાથી મોતને ભેટ્યો હતો. જ્યારે બીજા અકસ્માતમાં આઈશર ટ્રકે બાઇકસવારને કચડી નાખ્યો હતો. જ્યારે ત્રીજા અકસ્માતમાં ટ્રકની ટક્કરે પાર્ક કરેલી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, પરંતુ પરિવારનો આબાદ બચાવ થયો હતો. હિંમતનગર-વિજાપુર હાઈવે અને નેશનલ હાઈવે 48 પર બનેલી આ ઘટનાઓએ ચકચાર મચાવી દીધી છે. સંપૂર્ણ અહેવાલ વાંચો…
Read Original Article →