અમરેલીમાં 46.52 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:ધારીના માણાવાવ ગામે દારૂ કટિંગ પહેલા એકની ધરપકડ
અમરેલી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG) દ્વારા ધારી તાલુકાના માણાવાવ ગામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે દારૂ કટિંગ થાય તે પહેલા જ રૂ. 46.52 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે, માણાવાવ ગામ પાસે આંબરડી તરફ જતા કાચા રસ્તે આવેલી એક વાડીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ખેતરમાં ઉભેલો એક અશોક લેલન ટ્રક મળી આવ્યો હતો, જેમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું. પોલીસે ટ્રકની તપાસ કરતા તેમાંથી કુલ 15,108 બોટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 25.97 લાખ થાય છે. આ ગુનામાં માણાવાવ ગામના જયરાજભાઈ જોરૂભાઈ વાળા (ઉંમર 40, વ્યવસાય ખેતી) નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, GJ-25-U-6618 નંબરના અશોક લેલન ટ્રકના અજાણ્યા ચાલક, GJ-04-Y-0279 નંબરના બોલેરો પીકઅપના અજાણ્યા ચાલક અને અન્ય બે અજાણ્યા ઈસમો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 46.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રૂ. 25.97 લાખનો વિદેશી દારૂ, રૂ. 15 લાખનો અશોક લેલન ટ્રક, રૂ. 5 લાખનો મહિન્દ્રા બોલેરો પીકઅપ, રૂ. 50 હજારનું હોન્ડા ટુ-વ્હીલર અને રૂ. 5 હજારનો તૂટેલો એન્ડ્રોઇડ મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. પકડાયેલ આરોપી જયરાજભાઈ વાળા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, જુનાગઢ રૂરલ, ખાંભા અને ચલાલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશ સહિતના ગુનાઓ 8 વિવિધ ગુનાઓ નોંધાયેલા છે.
Read Original Article →