બે અજાણ્યા શખ્સો ફરાર:બગસરાના હાલરિયામાં ખેતરમાં કેમેરા, 23 થાંભલા તોડી નાખ્યા
બગસરાના હાલરિયા ગામે એક ખેડૂતના ખેતરમાં કોઈ અજાણ્યા શખ્સોએ ઘૂસી કેમેરા અને સિમેન્ટના થાંભલા તોડી નાખી ફરાર થઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. ગોપાલ ગ્રામથી આંબરડી જવાના માર્ગ પર આવેલા એક ખેતરમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ 2 જૂન,ના રોજ રાત્રે 10:00 થી 11:00 વાગ્યાના સમયગાળા દરમિયાન બન્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલરીયા ગામના રહેવાસી અને ખેતી તેમજ રિક્ષા ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા ઇમરાનભાઈ હુસેનભાઈ સવટ (ઉ.વ. 36)ના માલિકીના ખેતરમાં બે અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ખેતરમાં લગાવવામાં આવેલા સીમેન્ટના 23 થાંભલા તોડી નાખી આશરે રૂ. 9,200નું નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત ખેતરની સુરક્ષા માટે લગાવવામાં આવેલ એક CCTV કેમેરો પણ તોડી નાખવામાં આવ્યો, જેના કારણે વધુ રૂપિયા 5,000નું નુકસાન થયું હતું. આમ કુલ મળીને રૂપિયા 14,200ની મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે બગસરા પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
Read Original Article →