લાઠીમાં 'આપ'ના રમીલાબેન ભાજપના ટેકાથી પ્રમુખ:બગસરા-લીલિયામાં ભાજપે સત્તા ગુમાવી, લાઠીમાં ભાજપ-AAPનું અણધાર્યું ગઠબંધન
અમરેલી જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપે બગસરા અને લીલિયા તાલુકા પંચાયતોમાં સત્તા ગુમાવી છે, જ્યારે લાઠી તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર ભાજપના ટેકાથી પ્રમુખ બન્યા છે. સમગ્ર જિલ્લાની મોટાભાગની પંચાયતોમાં ભાજપનો દબદબો રહ્યો છે, પરંતુ આ ૩ તાલુકાના પરિણામો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. હીરા સોલંકીનો રાજકીય ખેલ
લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ OBC મહિલા માટે અનામત હતું. ભાજપ પાસે આ બેઠક પર કોઈ ચૂંટાયેલા OBC મહિલા સભ્ય ન હોવાથી કોંગ્રેસ ત્યાં પોતાની સરકાર બનાવવા સક્રિય થઈ હતી. કોંગ્રેસ પંચાયતમાં સત્તા મેળવવા માટે પ્રયાસો કરી રહી હતી, પરંતુ છેલ્લી ઘડીએ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ મોટો રાજકીય ખેલ પાડી દીધો હતો. હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ દ્વારા આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાની ચર્ચા છે. ભાજપે કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે આમ આદમી પાર્ટીના કોળી સમાજના વિજેતા ઉમેદવાર રમીલાબેન પૂનતિયાને પ્રમુખ પદ માટે ટેકો જાહેર કર્યો હતો. ભાજપના સભ્યોના સમર્થનથી રમીલાબેન લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જેના કારણે કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું છે. બગસરામાં 'આપ'ની સ્પષ્ટ બહુમતી, ભાજપ વિપક્ષમાં
બગસરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવીને ભાજપને સત્તાની બહાર ધકેલી દીધું છે. અહીં પ્રમુખ તરીકે રમેશ સતાસીયા અને ઉપપ્રમુખ તરીકે ચમકુ ડવની વરણી કરવામાં આવી છે. સત્તા ગુમાવ્યા બાદ હવે ભાજપે અહીં વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. લીલિયા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબ્જો
લીલિયા તાલુકા પંચાયતમાં પણ ભાજપે સત્તા ગુમાવવી પડી છે. આ પંચાયતમાં કોંગ્રેસે બહુમતી મેળવી સત્તા કબજે કરી છે. અહીં પ્રમુખ તરીકે જગદીશ દેથલીયા અને ઉપપ્રમુખ તરીકે વિજય કોગથીયાની નિમણૂક કરવામાં આવી છે. બગસરાની જેમ લીલિયામાં પણ ભાજપ હવે વિરોધ પક્ષની ભૂમિકા ભજવશે. આમ, અમરેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે મોટાભાગની જગ્યાઓ પર વિજય મેળવ્યો હોવા છતાં, બગસરા અને લીલિયા ગુમાવ્યા છે અને લાઠીમાં સત્તા ટકાવી રાખવા માટે વિપક્ષનો સહારો લેવો પડ્યો છે.
Read Original Article →